News of Friday, 27th November 2026
યુરોપિયન સંસદમાં ગાઝા ચર્ચા દરમિયાન 'આંસુ લૂછવાનો ઈશારો' કર્યા બાદ ડચ સાંસદને જાનથી મારી નાખવાની ધમકી
સેબેસ્ટિયન ક્રુઈસે 'ડાબેરીઓના આંસુ' ગણાવતા ભારે વિવાદ; સ્વીડિશ સાંસદ સાથે ટકરાવ બાદ સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યાનો દાવો

બ્રસેલ્સ, તા.૨૭: યુરોપિયન સંસદમાં ગાઝામાં સર્જાયેલી માનવીય કટોકટી અંગેની ચર્ચા દરમિયાન 'ડાબેરીઓના આંસુ લૂછવાનો' ઈશારો કર્યા બાદ નેધરલેન્ડ્સના સાંસદ સેબેસ્ટિયન ક્રુઈસ ભારે વિવાદમાં સપડાયા છે અને ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો દાવો સામે આવ્યો છે. ગાઝા માટે તાત્કાલિક માનવીય સહાય અંગેના સત્ર દરમિયાન પોડિયમ પરથી આ ઈશારો કર્યા બાદ અન્ય સાંસદો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો ગરમાયો છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગાઝામાં શિયાળા અને ઠંડા હવામાનની અસર અંગેના દાવાઓ પર ક્રુઈસે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને હવામાનની આગાહીમાં ગરમી દર્શાવાઈ હોવાનું જણાવી ઠંડીની ચિંતા કરનારાઓ પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "ગાઝામાં ગરમીનું મોજું છે, પરંતુ ડાબેરી ટોળા ઠંડી અને શિયાળાની સ્થિતિ વિશે ફરિયાદો કરતા રહે છે. ડાબેરીઓ નવા નીચલા સ્તરે પહોંચી ગયા છે."
સત્ર દરમિયાન સ્વીડિશ સાંસદ અબીર અલ-સહલાનીએ ક્રુઈસના હાવભાવ અને હવામાન અંગેના નિવેદનોને પડકાર આપ્યો હતો, જ્યારે અન્ય કાયદા ઘડનારાઓએ પેલેસ્ટિનિયનોને ખોરાક, આશ્રય અને તબીબી સહાયના અભાવ અંગે રજૂઆત કરી હતી. ચર્ચા વધુ ઉગ્ર બનતા યુરોપિયન સંસદના ઉપ-પ્રમુખ ક્રિસ્ટેલ શાલ્ડેમોસે હસ્તક્ષેપ કરીને સભ્યોને ચેતવણી આપવી પડી હતી, ત્યારબાદ ક્રુઈસે અલ-સહલાની પર અમાનવીય બનાવવાનો આરોપ મૂકી શિસ્તભંગના પગલાંની માંગ કરી હતી.
ઘટનાની પૃષ્ઠભૂમિમાં EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે ગાઝાની બગડતી માનવીય સ્થિતિ, પૂર અને શિયાળાની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને સહાય માટે સરહદ ક્રોસિંગ ફરીથી ખોલવાની હાકલ કરી હતી. આ નિવેદન બાદ સંસદમાં ચર્ચા તીવ્ર બની હતી અને ક્રુઈસના નિવેદન તથા હાવભાવને લઈને રાજકીય ઘર્ષણ ઊભું થયું હતું.
ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ ક્રુઈસે દાવો કર્યો હતો કે તેમને વંશીય નફરત, અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "મારી તમામ સોશિયલ મીડિયા ચેનલો પર જે રીતે (વંશીય) નફરત, અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓનો મારો ચાલી રહ્યો છે, તે ખરેખર પાગલપન છે... કોઈપણ સંજોગોમાં હું ડરીશ નહીં કે દબાણમાં આવીશ નહીં."
હાલ સંસદીય શિસ્ત, ઓનલાઈન ધમકીઓ અને ગાઝા માનવીય સહાય મુદ્દાને લઈને યુરોપિયન રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. હવે આગામી દિવસોમાં ધમકીઓ અંગે થતી કાર્યવાહી, સંસદીય શિસ્તના પગલાં અને યુરોપિયન સંસદની આગામી બેઠકોના ઘટનાક્રમ પર સૌની નજર રહેશે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
