તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
દશેરા પર અનોખું રાવણ દહન: ક્યાંક મુસ્કાન-સાહિલના પૂતળા સળગાવ્યા તો ક્યાંક ‘માનસિક નક્સલવાદ’ અને ‘કોકરોચ ’ને બનાવાયા પ્રતીક
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળું બાળી યુથ કોંગ્રેસનો વિરોધ : પંજાબમાં ડ્રગ્સ અને દિલ્હીમાં નકલી દવાઓના વેપાર સામે વિશિષ્ટ થીમ સાથે વિજયાદશમીની ઉજવણી

નવી દિલ્હી : દેશભરમાં મંગળવારે વિજયાદશમીનો પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો અને પરંપરાગત રીતે રાવણ, મેઘનાદ તથા કુંભકર્ણના પૂતળા દહન કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે દેશના વિવિધ ભાગોમાં દશેરાની ઉજવણીમાં એક મોટો અને અનોખો બદલાવ જોવા મળ્યો હતો. અનેક શહેરોમાં આયોજકોએ સમાજ માટે હાનિકારક ગણાતી કુવૃત્તિઓ, વિવાદાસ્પદ મુદ્દાઓ અને ગુનાહિત માનસિકતાને રાવણનું પ્રતીક માનીને વિશિષ્ટ પૂતળાઓનું દહન કર્યું હતું, જેણે ભારે આશ્ચર્ય અને ચર્ચા જગાવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પીતમપુરામાં શ્રી કેશવ રામલીલા સમિતિ દ્વારા રાવણની સાથે ૩૦ ફૂટ ઊંચા 'વંદા' (Cockroach) નું પૂતળું બાળવામાં આવ્યું હતું, જે ગંદકી અને રોગચાળાનું પ્રતીક હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. બીજી તરફ, પશ્ચિમ વિહારમાં 'આજનો રાવણ' થીમ હેઠળ નકલી દવાઓના વેપાર અને મોંઘા દવાઓના ભાવની હેરાફેરી સામે વિરોધ દર્શાવતું પૂતળું દહન કરાયું હતું. એટલું જ નહીં, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાવણ તરીકે દર્શાવતું પૂતળું બાળીને "વોટ ચોરી કી રાસલીલા" નાટક પણ રજૂ કર્યું હતું.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ૭૫ ફૂટ ઊંચા પૂતળાના માધ્યમથી "રાષ્ટ્રવિરોધી", "સનાતન વિરોધી" અને "માનસિક નક્સલવાદ" જેવી પ્રવૃત્તિઓ સામે સંદેશ અપાયો હતો. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબના લુધિયાણા ખાતે દરેસી મેદાનમાં રાવણ દહન કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં પંજાબના યુવાનોને બરબાદ કરતા ડ્રગ્સ (ચિત્ત) ના દૂષણને રાવણના પ્રતીક તરીકે દર્શાવી વ્યસનમુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં 'પૌરુષ' નામના સંગઠને ચર્ચિત સૌરભ રાજપૂત હત્યા કેસના મુખ્ય શંકાસ્પદ આરોપીઓ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાના ચિત્રોવાળા પૂતળા બાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પૂતળા પરથી તેમના ફોટા હટાવવામાં આવ્યા બાદ જ દહનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
