હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મદુરાઈ મંદિરમાં ઉપરાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ માત્ર બે મિનિટ લાઈટ ગુલ થતાં જુનિયર એન્જિનિયર સસ્પેન્ડ
મીનાક્ષી અમ્માન મંદિર વહીવટીતંત્રની લાલ આંખ, વીજળી ડૂલ થવાના ગંભીર મામલામાં તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરાતા ખળભળાટ

મદુરાઈ :દક્ષિણ ભારતના પ્રસિદ્ધ અને ઐતિહાસિક એવા તમિલનાડુના મદુરાઈ સ્થિત મીનાક્ષી અમ્માન મંદિર ખાતે દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની સુરક્ષા અને મુલાકાત દરમિયાન એક ગંભીર ક્ષતિ સામે આવી છે. વીઆઈપી મુલાકાત ટાણે જ અચાનક વીજળી ગુલ થઈ જવાની આ ઘટનાને વહીવટીતંત્રે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઉપરાષ્ટ્રપતિની પવિત્ર દર્શન વેળાએ માત્ર બે મિનિટ માટે પાવર કટ થવાને કારણે મંદિર પરિસરમાં અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે મંદિર વહીવટીતંત્રે કડક કાર્યવાહીનો દંડો ઉગામીને જવાબદાર અધિકારી સામે સસ્પેન્શનના આદેશો જારી કર્યા છે.
મંદિરના સત્તાવાર વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આ ચોંકાવનારી ઘટના બે દિવસ અગાઉ બની હતી, જેના પગલે ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ તાત્કાલિક સસ્પેન્શનનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વીજળી પુરવઠામાં બેદરકારી દાખવવા બદલ એસ. જનકિરમન નામના ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયરને તા. ૩૧ ઓક્ટોબરથી અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વીઆઈપી સુરક્ષા અને વીજ વ્યવસ્થા જેવી મહત્ત્વપૂર્ણ બાબતમાં થયેલી આ ચૂકને તંત્રે સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
મંદિર જેવા અતિ-સંવેદનશીલ અને ધાર્મિક સ્થળે દેશના સર્વોચ્ચ પદાધિકારીની મુલાકાત વખતે બે મિનિટ માટે પણ પાવર સપ્લાય ડાઉન થવો એ મોટી સુરક્ષા ચૂક ગણવામાં આવી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી. વીજળી ગુલ થવાના મૂળ કારણો શોધવા માટે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની શરમજનક સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને વીઆઈપી મુલાકાતો વખતે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે.
આ અણધારી ઘટના બાદથી રાજ્યના રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે માત્ર બે મિનિટના પાવર કટ માટે આટલી મોટી કાર્યવાહી યોગ્ય છે કે નહીં. બીજી તરફ, વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીથી અન્ય કર્મચારીઓમાં પણ મોટો સંદેશો ગયો છે. આગામી સમયમાં આ મામલે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ પંચ બેસાડવામાં આવે છે કે કેમ અને એન્જિનિયર સામે કાયમી શિસ્તભંગના પગલાં લેવાય છે કે કેમ તે અંગે સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
