News of Monday, 20th July 2026
નીટ પરીક્ષાર્થીના આપઘાતના વિરોધમાં દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શન દરમિયાન ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : દેખાવકારોએ નેપાળની જેમ ભારતનું સંસદ ભવન સળગાવી દેવાની અને તોડફોડ કરવાની ખુલ્લી ધમકી આપી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરૂદ્ધ 'સંસદ ચલો' માર્ચ દરમિયાન ભડકાઉ નિવેદનોથી સન્સનાટી : મેડિકલ ઈમરજન્સી વિના જંતર-મંતર પર એમ્બ્યુલન્સ ઘુસાડવામાં આવતા નાસભાગ જેવો માહોલ સર્જાયો હોવાનો પક્ષનો સંગીન આક્ષેપ : આપઘાત કરનાર વિદ્યાર્થીના પિતાની વિનંતીથી સ્થાપક અભિજીત દીપકેના ઉપવાસનો અંત

નવી દિલ્હી, તા.૨૦ જુલાઈ: પાટનગર નવી દિલ્હીમાં નીટ (NEET) પરીક્ષાના એક વિદ્યાર્થીના આપઘાતના મામલે રાજકીય અને સામાજિક વાતાવરણ અત્યંત ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરૂદ્ધ કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત કરવામાં આવેલી 'સંસદ ચલો' માર્ચ દરમિયાન સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક ઉગ્ર દેખાવકારોએ કેમેરા સમક્ષ જઈને ભારતીય સંસદ ભવનને નેપાળની જેમ સળગાવી દેવાની અને તોડફોડ કરવાની ગંભીર ધમકી આપતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સોમવારે યોજાયેલી આ રેલીના કારણે સેન્ટ્રલ દિલ્હીના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી.
પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે મક્કમ રહીને આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જો કે, જે નીટ પરીક્ષાર્થી વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, તેના શોકતુર પિતા પોતે વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે ભાવુક અપીલ કરીને અભિજીત દીપકેને ઉપવાસ છોડી દેવા માટે ખાસ વિનંતી કરી હતી. આ પીડિત પિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે પક્ષના સ્થાપક પોતાનો ઉપવાસ તોડે જેથી તેઓ સંસદ તરફ કૂચ કરનારી પક્ષની આયોજિત માર્ચનું નેતૃત્વ મજબૂતીથી સંભાળી શકે. આ વિનંતીને માન આપીને પક્ષના વડાએ પોતાના આકરા ઉપવાસનો અંત આણ્યો હતો.
બીજી તરફ, જંતર-મંતર ખાતે ચાલી રહેલા આ પ્રદર્શન દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. કૉકરોચ જનતા પાર્ટીએ સત્તાવાર રીતે આક્ષેપ કર્યો છે કે, જ્યારે પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારની તબીબી કટોકટી કે મેડિકલ ઈમરજન્સી ન હોવા છતાં એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને બળપૂર્વક જંતર-મંતર વિરોધ પ્રદર્શનના સ્થળની અંદર ઘુસાડી દેવામાં આવી હતી. પક્ષના અગ્રણીઓએ દાવો કર્યો છે કે આ વાહનમાં ન તો કોઈ દર્દી હતો કે ન તો કોઈ ઈમરજન્સી સેવા પૂરી પાડવાની હતી. આ અણધારી ઘટનાના કારણે પ્રદર્શન સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યાં હાજર લોકોમાં નાસભાગ (ચોક્કસ એન્કાઉન્ટર જેવી નાસભાગ) જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
સંસદ તરફ કૂચ કરી રહેલા આ આક્રોશિત પ્રદર્શન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતા ઉગ્ર નિવેદનો પણ સામે આવ્યા છે. વિરોધ પ્રદર્શનની જગ્યાએ એક પ્રદર્શનકારીએ મીડિયાના કેમેરા સામે સીધું જોઈને ઉશ્કેરણીજનક લહેજામાં જણાવ્યું હતું કે, "સંસદ ભવનને તોડી પાડવામાં આવશે... અમે ભારતની સંસદને પણ નેપાળ જેવી બનાવી દઈશું." આ પ્રકારની તોડફોડ અને આગચંપી કરવાની ખુલ્લી ધમકી આપતો વીડિયો વાયરલ થતાં જ દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કિલ્લામાં ફેરવી દીધો છે અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. (abp ન્યુઝ વેબસાઈટ માંથી સાભાર)
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
