News of Wednesday, 13th May 2026
દુબઈનું સોનું હવે ખિસ્સા પર પડશે ભારે: આયાત ડ્યુટીમાં 150% નો તોતિંગ વધારો, એરપોર્ટ પર ઉતરતા જ ચૂકવવો પડશે મસમોટો ટેક્સ!
કેન્દ્ર સરકારે સોના પરની અસરકારક ડ્યુટી 6% થી વધારીને 15% કરી; દુબઈથી નિર્ધારિત મર્યાદા કરતા વધુ સોનું લાવવું હવે મુસાફરો માટે ફાયદાનો સોદો નહીં રહે

નવી દિલ્હી, તા.૧૩: ભારતીયો માટે સોનું માત્ર ઘરેણું જ નહીં પણ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે, અને તેમાં પણ જો 'દુબઈનું સોનું' હોય તો તેની ચમક કંઈક અલગ જ હોય છે. પરંતુ હવે દુબઈથી સોનું ખરીદીને ભારત લાવનારા પ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ભારત સરકારે વિદેશી હૂંડિયામણ બચાવવા અને આયાત પર અંકુશ મેળવવા માટે સોના પરની આયાત ડ્યુટી (Import Duty) માં ધરખમ વધારો ઝીંકી દીધો છે.
નવું ટેક્સ માળખું: ગણિત સમજી લો
નાણા મંત્રાલયના નવા જાહેરનામા મુજબ, સોના પરની અસરકારક આયાત ડ્યુટી હવે ૧૫% થઈ ગઈ છે. જેમાં ૧૦% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને ૫% એગ્રીકલ્ચર સેસનો સમાવેશ થાય છે. જો તેમાં ૩% જીએસટી (GST) ઉમેરવામાં આવે તો કુલ ટેક્સનો બોજ ૧૮.૪૫% સુધી પહોંચી જાય છે. આ ફેરફારને કારણે ભારતીય બજારમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ સીધો જ ₹૧૩,૯૦૦ જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
દુબઈથી સોનું લાવનારા મુસાફરોને કેટલો ફટકો?
ઘણા ભારતીયો દુબઈ ફરવા જાય ત્યારે ત્યાંથી સોનું લાવવાનું પસંદ કરતા હોય છે, કારણ કે ત્યાં ભાવ ઓછા હોય છે. પરંતુ હવે જો તમે તમારી મર્યાદા કરતા ૧૦ ગ્રામ પણ વધુ સોનું લાવશો, તો એરપોર્ટ પર જ તમારે ₹૬,૫૦૦ થી ₹૭,૫૦૦ સુધીનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે.
કોના માટે કેટલી છે ફ્રી લિમિટ?
ભારતીય કાયદા મુજબ વિદેશથી સોનું લાવવા માટે મહિલા અને પુરુષો માટે અલગ-અલગ કરમુક્ત મર્યાદા છે:
- મહિલા મુસાફર: ૪૦ ગ્રામ સુધીનું સોનું (કોઈ પણ ટેક્સ વિના).
- પુરુષ મુસાફર: ૨૦ ગ્રામ સુધીનું સોનું (કોઈ પણ ટેક્સ વિના).
જો કોઈ પુરુષ મુસાફર તેની મર્યાદા કરતા ૨૦ ગ્રામ વધુ સોનું લાવે છે, તો તેણે કસ્ટમ ડ્યુટી પેટે અંદાજે ₹૧૪,૦૦૦ થી ₹૧૫,૦૦૦ વધુ ચૂકવવા પડશે. સરકારના આ કડક વલણ પાછળનું મુખ્ય કારણ દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) ઘટાડવાનું છે. આમ, હવે દુબઈની સસ્તી ગોલ્ડ શોપિંગ ભૂતકાળ બની શકે છે અને પ્રવાસીઓએ સોનું ખરીદતા પહેલા ટેક્સનું કેલ્ક્યુલેટર સાથે રાખવું પડશે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
