તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધના વાદળો વચ્ચે દુબઈ રિયલ્ટી અડીખમ: એપ્રિલમાં સોદા ઘટ્યા છતાં 'અલ્ટ્રા લક્ઝરી' એપાર્ટમેન્ટનો ₹439 કરોડમાં સોદો થતા ખળભળાટ!
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની રિયલ એસ્ટેટ પર મિશ્ર અસર: વેચાણમાં 14% નો ઘટાડો, પણ નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગ સાથે બજારમાં ફરી આશાવાદનો સંચાર, નાના ડેવલપર્સ દ્વારા ડિસ્કાઉન્ટનો મારો

દુબઈ, તા.૧૫: પશ્ચિમ એશિયામાં વધી રહેલા પ્રાદેશિક તણાવ અને ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની અસર વિશ્વના સૌથી લોકપ્રિય રિયલ એસ્ટેટ હબ ગણાતા દુબઈ પર પણ જોવા મળી છે. એપ્રિલ મહિનાના પ્રથમ બે અઠવાડિયાના સત્તાવાર આંકડા દર્શાવે છે કે રિયલ એસ્ટેટ વ્યવહારોમાં ગયા વર્ષની સરખામણીએ 14% નો ઘટાડો નોંધાયો છે. જોકે, આ આંકડા માત્ર નકારાત્મક ચિત્ર રજૂ કરતા નથી, કારણ કે યુદ્ધવિરામની વાટાઘાટો શરૂ થતાની સાથે જ ખરીદદારોની પૂછપરછમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે.
દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ, ૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન ૬,૫૩૫ સોદા થયા હતા, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૭,૫૬૩ હતા. તેમ છતાં, માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલમાં વ્યવહારો ૮% વધુ રહ્યા છે, જે બજારની 'રિવર્સલ' ક્ષમતા દર્શાવે છે.
લક્ઝરી માર્કેટમાં તેજી યથાવત: એક ફ્લેટની કિંમત ₹439 કરોડ!
ભલે સામાન્ય બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં રોકાણકારોનો વિશ્વાસ ડગ્યો નથી.
• રેકોર્ડ બ્રેક સોદો: જુમેરાહ સેકન્ડ વિસ્તારમાં એક નિર્માણાધીન ૫-બેડરૂમ એપાર્ટમેન્ટનો સોદો અધધ ₹૪૩૯ કરોડ (AED 171 મિલિયન) માં થયો છે.
• ડાઉનટાઉન દુબઈ: અહીં પણ અન્ય એક લક્ઝરી એપાર્ટમેન્ટ ₹૩૧૦ કરોડ (AED 121 મિલિયન) માં વેચાયું છે.
આ આંકડા સાબિત કરે છે કે દુનિયાના ધનિકો માટે દુબઈ હજુ પણ સુરક્ષિત અને પસંદગીનું સ્થળ છે.
નાના ડેવલપર્સ અને ભાડા બજારની સ્થિતિ
જ્યારે મોટા ડેવલપર્સ કિંમતો ઘટાડવા તૈયાર નથી, ત્યારે નાના ડેવલપર્સે ગ્રાહકોને આકર્ષવા માટે નવા પેકેજ શરૂ કર્યા છે:
૧. નોંધણી ચાર્જમાં માફી: ઘણા ડેવલપર્સ ૪% રજિસ્ટ્રેશન ચાર્જ પોતે ભોગવી રહ્યા છે.
૨. ભારે ડિસ્કાઉન્ટ: જે મિલકતો તૈયાર છે અથવા મળવાની તૈયારીમાં છે, તેમાં ૧૨ થી ૨૫% સુધીના ઘટાડે સોદા થઈ રહ્યા છે.
ભાડા બજારમાં મસમોટો ઘટાડો:
ભાડાના બજારમાં વધુ તણાવ જોવા મળ્યો છે. નવા કરારો માટેના સરેરાશ ભાડામાં ગયા વર્ષની સરખામણીએ મોટો ઘટાડો નોંધાયો છે. કેટલાક કિસ્સાઓમાં નવા રહેવાસીઓની સંખ્યા ઘટતા ભાડા ૨૦ થી ૩૫% સુધી નીચા આવ્યા છે. જોકે, જૂના ભાડૂતો માટે જેઓ કરાર રિન્યુ કરાવી રહ્યા છે, તેમના માટે ભાડાના ભાવ સ્થિર રહ્યા છે.
શું દુબઈમાં ૨૦૦૮ જેવું ક્રેશ આવશે?
S&P ગ્લોબલ રેટિંગ્સના મતે, ૨૦૦૮ જેવી આર્થિક કટોકટી આવવાની શક્યતા નહિવત છે. તેનું મુખ્ય કારણ દુબઈના મજબૂત નિયમો અને 'ગોલ્ડન વિઝા' જેવા કાર્યક્રમો છે, જે વિદેશી રોકાણકારોને લાંબા ગાળા માટે જોડી રાખે છે. અલ હબતૂર ગ્રુપ જેવા મોટા ડેવલપર્સે પણ ૫ અબજ દિહામના નવા કોમર્શિયલ ટાવર પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે, જે બજારમાં મજબૂત આત્મવિશ્વાસનો સંકેત આપે છે.
નિષ્ણાતો માને છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ લાંબો ન ખેંચાય, તો મે મહિનામાં દુબઈ રિયલ્ટી ફરી એકવાર પોતાની જૂની રફ્તાર પકડી લેશે. અત્યારે જે 'નરમાઈ' દેખાય છે તે માત્ર કામચલાઉ છે અને રોકાણકારો માટે નીચા ભાવે સોદા કરવાની આ એક તક પણ હોઈ શકે છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
