<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

અસાધારણ સાહસ અને હિંમતને બિરદાવતા દુબઈના ક્રાઉન પ્રિન્સ: ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મછાર સાથે વિશેષ મુલાકાત કરી માનવતાવાદી અભિગમને બિરદાવ્યો

​એરલાઇન FZ1073 ફ્લાઇટ ઘટનામાં સેંકડો મુસાફરોના જીવ બચાવી ઉચ્ચતમ જવાબદારી નિભાવનારા પાયલોટને સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન શેખ હમદાને યૂએઈનું ગૌરવ ગણાવ્યા: "કરુણા, શાંતિ અને જીવનનું પ્રતીક દેશ છે યુએઈ" તેવા ગર્વ સાથે પાયલોટની બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા

​દુબઈ:વિમાન પ્રવાસ દરમિયાન સર્જાયેલી અત્યંત ગંભીર અને કટોકટીભરી સ્થિતિમાં અસાધારણ ધૈર્ય, બહાદુરી અને વ્યાવસાયિક કુશળતા દાખવીને સેંકડો મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરનારા ફ્લાયદુબઈના પાયલોટ કેપ્ટન સ્મિત મછારના સાહસને દુબઈના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા રૂબરૂ મળીને બિરદાવવામાં આવ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નાયબ વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મહોમ્મદ બિન રશીદ અલ મક્તૂમે રૂબરૂ મુલાકાત લઈને કેપ્ટન સ્મિતની અપ્રતિમ સેવાઓ અને હિંમતની સરાહના કરી હતી.

​પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં સર્જાયેલી અણધારી ઘટના દરમિયાન પાયલોટ કેપ્ટન સ્મિત મછારે બતાવેલી વિશિષ્ટ સૂઝબૂઝથી એક મોટી દુર્ઘટના ટળી હતી. આ પ્રસંગે ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિતે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ "હિંમત, જવાબદારી અને માનવજીવન પ્રત્યેની કાળજીનો સર્વોચ્ચ દાખલો" પેશ કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેપ્ટન સ્મિત જેવા જાંબાઝ અધિકારી યુએઈની ટીમ અને તેની સિદ્ધિઓની ગાથાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તે બદલ સમગ્ર દેશ ગર્વ અનુભવે છે.

​પોતાની મુલાકાત દરમિયાન દુબઈના રાજકુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિતનું આ સાહસપૂર્ણ કાર્ય સંયુક્ત આરબ અમીરાતના મૂળભૂત મૂલ્યોનું પ્રતીક છે. યુએઈ એક એવો દેશ છે જે કરુણા, શાંતિ અને માનવજીવનની સુરક્ષા માટે સમર્પિત છે અને કેપ્ટન સ્મિતે પોતાના કાર્યોથી આ જ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​ઉલ્લેખનીય છે કે દુર્ઘટના સમયે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના મુસાફરોના જીવને પ્રાધાન્ય આપવાના પાયલોટના આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે. દુબઈના ક્રાઉન પ્રિન્સની આ વિશેષ મુલાકાતે વૈશ્વિક સ્તરે એવિએશન ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો છે.

(6:07 PM IST)