તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દારૂના નશામાં ટલ્લી થયેલી મહિલા ભાન ભૂલીઃ હોટલના ૭માં માળેથી નીચે ખાબકીઃ બોયફ્રેન્ડ જોતો રહ્યો
CCTVમાં કેદ થયું રૂંવાડાં ઊભાં કરી દે તેવું દ્રશ્યઃ આ હૃદયદ્રાવક ઘટના બ્રાઝિલના સાઓ લુઈસ શહેરની ‘રિયો પોટી હોટલ'ની છે

સાઓ લુઈસ,તા.૭: એક ક્ષણની બેદરકારી આંખના પલકારામાં કેવી રીતે માણસનો જીવ લઈ શકે, તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલમાં જોવા મળ્યું છે. એક ૨૬ વર્ષની મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન પર નીકળી હતી અને બંને મોડી રાત સુધી પાર્ટી કરી રહ્યા હતા. નશામાં ધૂત જ્યારે આ કપલ હોટલની લોબીમાંથી રુમ સુધી જઈ રહ્યા હતા, ત્યારે કંઈક એવું થયું, જેના કારણે મહિલાનો જીવ જતો રહ્યો.બોયફ્રેન્ડ જોતો રહ્યો અને મહિલા ૭માં માળે બનેલા કોરિડોરની બારીમાંથી સીધી નીચે આવી ગઈ.
આ હૃદયદ્રાવક ઘટના બ્રાઝિલના સાઓ લુઈસ શહેરની ‘રિયો પોટી હોટલ'ની છે. મૃતક મહિલાની ઓળખ ૨૬ વર્ષીય રેનાટા રેબેકા નેગ્રાઓ સલદાન્હા ડોસ સેન્ટોસ તરીકે થઈ છે. રેનાટા બે નાનાં બાળકોની માતા હતી, જેમાં એક બાળક માત્ર ચાર વર્ષનું હતું.
રેનાટા તેના બોયફ્રેન્ડ સાથે ૨૮ ઓક્ટોબરના રોજ પોકર રમવા અને રજાઓ માણવા માટે સાઓ લુઈસ આવી હતી. મંગળવારે બંનેએ પોતાના ઘરે પરત ફરવાનું હતું, પરંતુ તે ભયાનક રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યે બનેલી દુર્ઘટનાએ તેના પરિવારની ખુશીઓ હંમેશાં માટે છીનવી લીધી.
આ સમગ્ર દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે રેનાટા હોટલના સાતમા માળે આવેલા કોરિડોરની બારીના કિનારે બેઠી હતી. આ દરમિયાન તે બારીની એલ્યુમિનિયમ ફ્રેમનો ટેકો લઈને થોડી પાછળની તરફ ઝૂકી હતી. પરંતુ ફ્રેમ નબળી હોવાને કારણે અચાનક તૂટી ગઈ અને રેનાટા પોતાનું સંતુલન જાળવી શકી નહીં. તે સીધી સાતમા માળેથી નીચે હોટલના મુખ્ય પ્રવેશદ્વાર પર બનેલી કેનોપી એટલે કે છત પર જઈને પટકાઈ હતી.
નીચે પડતાં જ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોની તમામ કોશિશો છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો.
આ ઘટનામાં સૌથી આヘર્યજનક બાબત તેના બોયફ્રેન્ડની પ્રતિક્રિયા રહી હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે રેનાટા બારીમાંથી નીચે પડી ત્યારે તેનો બોયફ્રેન્ડ થોડે જ અંતરે ઊભો હતો. દુર્ઘટના બનતાં જ તે થોડી સેકન્ડ સુધી એકદમ સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભો રહ્યો હતો. તે એટલો આઘાતમાં હતો કે તેને તરત જ ખ્યાલ આવ્યો નહોતો કે તેની ગર્લફ્રેન્ડ સાતમા માળેથી નીચે પડી ગઈ છે. થોડી વાર બાદ જ્યારે હોટલનો એક કર્મચારી દોડતો ત્યાં પહોંચ્યો, ત્યારે બોયફ્રેન્ડને ઘટનાની ગંભીરતાનો અહેસાસ થયો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કપલ દારૂ અથવા અન્ય કોઈ નશાના પ્રભાવ હેઠળ હોય તેવું જણાઈ રહ્યું હતું.
ઘટના બાદ પોલીસે બોયફ્રેન્ડને કસ્ટડીમાં લઈને તેની લાંબી પૂછપરછ કરી હતી.
આ કેસની તપાસ કરી રહેલા ચીફ જ્યોર્જ માર્ક્સે જણાવ્યું હતું કે, CCTV ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે આ એક દુઃખદ દુર્ઘટના હતી. વીડિયોમાં ક્યાંય એવું દેખાતું નથી કે કોઈએ મહિલાને ધક્કો માર્યો હોય. ઘટના સમયે તેનો બોયફ્રેન્ડ પણ તેની નજીક ઊભો નહોતો.
પુરાવાઓના આધારે પોલીસે કોઈ પણ પ્રકારના હુમલા અથવા હત્યાના કાવતરાની શક્યતાને નકારી કાઢી હતી. પૂછપરછ બાદ બોયફ્રેન્ડને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જરૂર પડ્યે તેને અને હોટલના કર્મચારીઓને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર બહુમાળી ઇમારતો અને લક્ઝરી હોટલોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.(૪૦.૫)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
