News of Monday, 18th May 2026
ઈરાનમાં યુદ્ધના નગારા: ટ્રમ્પની ધમકી બાદ ન્યૂઝ એન્કર્સે હાથમાં લીધી AK-47: લાઈવ ટીવી પર શસ્ત્રોની તાલીમ શરૂ
તેહરાનની ગલીઓથી લઈને ટીવી સ્ટુડિયો સુધી માત્ર બંદૂકોનો ગુંજારવ: અમેરિકી આક્રમણના ભય વચ્ચે સામાન્ય નાગરિકો અને બાળકોને પણ અપાઈ રહી છે રાઈફલ ચલાવવાની ટ્રેનિંગ: દેશભરમાં હાઈ-એલર્ટ જેવી સ્થિતિ

તેહરાન:અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો ગજગ્રાહ હવે લોહિયાળ વળાંક લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પની તાજેતરની સીધી સૈન્ય કાર્યવાહીની ધમકી બાદ ઈરાનમાં ગભરાટ અને આક્રોશનું મોજું ફરી વળ્યું છે. ઈરાની સરકારે હવે જનતાને સીધા યુદ્ધ માટે તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે રાજ્ય સંચાલિત ન્યૂઝ ચેનલો પર અજીબોગરીબ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે એન્કર્સ અત્યાર સુધી સમાચાર વાંચતા હતા, તેઓ હવે લાઈવ પ્રસારણ દરમિયાન હાથમાં AK-47 એસોલ્ટ રાઈફલ લઈને જોવા મળી રહ્યા છે. ટીવી સ્ટુડિયો હવે શસ્ત્ર તાલીમ કેન્દ્રોમાં ફેરવાઈ ગયા છે, જ્યાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના નિષ્ણાતો લાઈવ કેમેરા સામે જનતાને બંદૂક કેવી રીતે ચલાવવી અને નિશાન કેવી રીતે સાધવું તેની કરામતો શીખવી રહ્યા છે.
આ સૈન્ય કવાયત એટલી ગંભીર છે કે ઓફોગ ચેનલના એન્કર હોસેન હોસેનીએ લાઈવ શો દરમિયાન જ રાઈફલથી ફાયરિંગ કરીને પ્રેક્ષકોને ચોંકાવી દીધા હતા. તેવી જ રીતે, ચેનલ 3 ની જાણીતી એન્કર મોબીના નાસિરીએ પણ બંને હાથમાં ખતરનાક હથિયારો પકડીને દેશ માટે બલિદાન આપવાની જાહેરાત કરી છે. તેહરાન અને અન્ય શહેરોની મસ્જિદોમાં પણ નાગરિકો માટે ખાસ સંરક્ષણ તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. ચિંતાજનક બાબત એ છે કે આ તાલીમમાં નાના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ઈરાન કોઈપણ ભોગે અમેરિકા સામે ઝૂકવા તૈયાર નથી અને સંભવિત ભૂમિ આક્રમણ (Ground Invasion) માટે ઘરે-ઘરે યોદ્ધાઓ તૈયાર કરી રહ્યું છે.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે તેમની પાસે સમય બહુ ઓછો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ઈરાન ઝડપથી નમતું નહીં જોખે તો તેમની પાસે કંઈ જ બાકી રહેશે નહીં. ઈરાન આ ધમકીને ગંભીરતાથી લઈ રહ્યું છે અને દેશના ખૂણેખૂણે રાષ્ટ્રીય સંરક્ષણના નામે શસ્ત્રોનું વિતરણ અને તાલીમ તેજ કરી દેવામાં આવી છે. વૈશ્વિક નિષ્ણાતો માને છે કે જો સ્થિતિ આવી જ રહી તો પશ્ચિમ એશિયામાં એક વિનાશક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે, જેની અસર આખી દુનિયા પર પડશે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
