તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
મુંબઈ એરપોર્ટ પરથી ₹૨૧ કરોડનું ડ્રગ્સ જપ્ત: થાઈલેન્ડ ભાગવાની ફિરાકમાં રહેલા શંકાસ્પદ પ્રવાસીની ધરપકડ
કસ્ટમ્સ AIU અને ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ દરોડા પાડી ₹૨૧.૮૪ કરોડના ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા

મુંબઈ : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ચેમ્બુર વિસ્તારમાંથી કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) તેમજ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા બુધવારે હાથ ધરાયેલા સંયુક્ત અને સઘન તપાસ અભિયાન દરમિયાન કુલ ₹૨૧.૮૪ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, થાઈલેન્ડના ફૂકેટ જવા માટે એરપોર્ટ પહોંચેલા એક શંકાસ્પદ પ્રવાસીને AIUના અધિકારીઓએ શંકાના આધારે અટકાવીને તેના સામાનની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી ₹૨૧ કરોડની કિંમતનું ૭ કિલો અત્યંત મોંઘું ‘કેટામાઈન’ ડ્રગ્સ મળી આવ્યું હતું.
એરપોર્ટ પરથી પકડાયેલા પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી, અને હાલમાં તે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે.
બીજી તરફ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલ (ઘાટકોપર યુનિટ) ના સ્ટાફે ચેમ્બુરના છેડાનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરી રહેલી ૪૦ વર્ષીય મરિઅમ્મા પેરિઆનંદ દેવેન્દ્ર નામની મહિલાને તાબામાં લીધી હતી.
મહિલાની તલાશી લેતા તેની પાસેથી વેચાણ અર્થે લાવવામાં આવેલો ₹૮૪ લાખની કિંમતનો ગેરકાયદેસર ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેથી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલભેગી કરવામાં આવી છે.
મુંબઈમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાતા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ડ્રગ્સ નેટવર્ક સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં સામેલ અન્ય મોટા કિંગપિન કે પેડલર્સ સુધી પહોંચવા માટે પોલીસ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
