તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
ડ્રગ્સના સોદાગરો સાવધાન! હવે મિલકતો જપ્ત થશે અને પાસપોર્ટ-આધાર પણ રદ થશે: મનોજ સિંહાનું આક્રમક એલાન
જમ્મુ-કાશ્મીરને નશામુક્ત કરવા ઉપરાજ્યપાલની ‘SOP’ સર્જિકલ સ્ટ્રાઈક: સરહદ પારથી આવતા ઝેરને રોકવા તંત્ર સજ્જ, તસ્કરોની પેઢીઓ સુધી ગુંજશે કાયદાનો આકરો કોરડો!

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં નશીલા પદાર્થોના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અખત્યાર કર્યું છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ 'નશામુક્ત જમ્મુ-કાશ્મીર' પદયાત્રાના પ્રારંભ પ્રસંગે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે ડ્રગ તસ્કરીમાં સામેલ ગુનેગારોને માત્ર જેલ જ નહીં, પરંતુ તેમની આર્થિક અને સામાજિક ઓળખ પણ ગુમાવવી પડશે. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ તસ્કરોની મિલકતો જપ્ત કરવામાં આવશે, તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવાશે અને સૌથી મહત્વનું એ કે તેમના લાયસન્સ, પાસપોર્ટ અને આધાર જેવા દસ્તાવેજો પણ રદ કરવામાં આવશે.
પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા મનોજ સિંહાએ કહ્યું હતું કે, આપણો પાડોશી દેશ ભારતના ભવિષ્ય એવા યુવાનોના લોહીમાં ઝેર ભેળવવા માટે સરહદ પારથી ડ્રગ્સની દાણચોરી કરી રહ્યો છે. આ નેટવર્કને તોડવા માટે હવે પંચાયત સ્તરથી લઈને શહેર સુધી ગુપ્તચર તંત્રને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. જે ગુનેગારો કાયદાથી બચવા માટે ફરાર થશે, તેમની સામે તાત્કાલિક લુકઆઉટ નોટિસ જારી કરી તેમની તમામ જંગમ અને સ્થાવર મિલકતો NDPS એક્ટ હેઠળ ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આગામી ત્રણ મહિના સુધી ચાલનારા આ જન આંદોલન દ્વારા જમ્મુ-કાશ્મીરના ખૂણેખૂણે જાગૃતિ ફેલાવવામાં આવશે. રમતગમતની ટુર્નામેન્ટો, મેરેથોન અને પદયાત્રાઓ દ્વારા યુવાનોને નશાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકારે 'પદાર્થ ઉપયોગ વિકાર સારવાર નિયમો-2026' પણ જાહેર કર્યા છે, જેથી પુનર્વસન કેન્દ્રોની કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બને. ઉપરાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે, આ લડાઈ માત્ર સરકારની નથી પણ આખા સમાજની છે અને વહીવટીતંત્ર કોઈપણ પરિવાર કે સપનાને વ્યસનના અંધકારમાં ડૂબવા દેશે નહીં.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
