તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
"કેનેડામાં ડ્રગ કાર્ટેલ પર મોટી સર્જિકલ સ્ટ્રાઈક!": $૯૭ મિલિયનના ડ્રગ્સ સાથે ૧૯ શંકાસ્પદોની ધરપકડ; મોટો ભાગ ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરોનો
૧.૭ ટન નશાકારક દ્રવ્યો, ૧૭ હથિયારો અને લાખોની રોકડ જપ્ત; કેનેડા-યુએસ સરહદે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કનો ઓન્ટારિયો પોલીસે કર્યો પર્દાફાશ

ઓટાવા, તા.૨૭: કેનેડાના ઇતિહાસમાં વજનની દ્રષ્ટિએ અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ પર્દાફાશમાં ઓન્ટારિયો પોલીસે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરીને ૧૯ લોકોની ધરપકડ કરી છે. 'પ્રોજેક્ટ બે' નામના ગુપ્તચર આધારિત ઓપરેશન હેઠળ પોલીસે $૯૭ મિલિયન (આશરે ૧૩૯ મિલિયન કેનેડિયન ડોલર) થી વધુ કિંમતનો ૧.૭ ટન જેટલો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા મોટાભાગના શંકાસ્પદો ભારતીય મૂળના છે, જેમાંથી ઘણા ટ્રક ડ્રાઇવરો તરીકે કામ કરતા હતા.
વાણિજ્યિક પરિવહનની આડમાં ચાલતું હતું સ્મગલિંગ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સ્મગલિંગ નેટવર્ક બ્રોકર-સ્ટાઇલ મોડેલ પર ચાલતું હતું. કેનેડા અને અમેરિકા વચ્ચે માલસામાનની હેરફેર કરતી વાણિજ્યિક ટ્રકો અને સ્થાપિત લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇનનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ગેરકાયદેસર ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હતું.
આ કેસમાં ૨૭ વર્ષીય ગગનદીપ થિંડાલ, ૩૨ વર્ષીય સિમરનજીત સિંહ, ૩૯ વર્ષીય જતિન્દરપાલ સિંહ, ૫૫ વર્ષીય જસવિંદર સોહી, ૩૩ વર્ષીય હરજવિંદર સંધુ સહિત ૧૯ લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ હજુ પણ ફરાર છે.
"આ સિન્ડિકેટ પર લેવામાં આવેલા આકરા પગલાંથી સરહદ પાર ચાલતા ગેરકાયદેસર ડ્રગ્સ અને હથિયારોના પ્રવાહ પર મોટો અંકુશ આવ્યો છે. આ પર્દાફાશથી ઓન્ટારિયોના સમુદાયોને થતું મોટં૧ નુકસાન અટકાવી શકાયું છે."
— માઇક સ્ટોડાર્ટ, ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસ (OPP) ચીફ સુપરિન્ટેન્ડેન્ટ
૨૨ સ્થળોએ દરોડા: કોકેન, મેથ અને હથિયારો જપ્ત
જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ થયેલી આ ગુપ્ત તપાસ બાદ, પોલીસે ૨૫ જૂનથી ૨૦ જુલાઈ દરમિયાન બ્રેમ્પટન, માર્ખામ, કેલેડોન અને વિન્ડસર જેવા વિસ્તારોમાં ૨૨ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે ૯૭૩ કિલો કોકેન, ૬૬૦ કિલો મેથામ્ફેટામાઇન, ૪૯ કિલો અફીણ, ૨૩૦ ઓક્સીકોડોન ગોળીઓ, ૧૭ ગેરકાયદેસર હથિયારો, ૮૦,૦૦૦ કેનેડિયન ડોલર રોકડા, કિંમતી દાગીના, મની કાઉન્ટિંગ મશીન અને ૪૩ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે આ કાર્યવાહીને સંગઠિત ગુનાખોરી સામેનો અત્યાર સુધીનો સૌથી કડક ફટકો ગણાવ્યો છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
