તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
વાહનચાલકો સાવધાન: ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે હવે માત્ર ૧૦ દિવસ બાકી, નહીંતર વધી જશે મુશ્કેલીઓ!
૨૫ સપ્ટેમ્બર સુધીમાં અપડેટ ન કરાવાયું તો લાયસન્સ સસ્પેન્ડ થવાનું જોખમ; પરિવહન વિભાગની વેબસાઇટ 'સારથી' પરથી ઘરે બેઠા મિનિટોમાં કરો આ કામ

અમદાવાદ, તા.૧૫: જો તમે પણ દરરોજ કાર કે બાઇક ચલાવો છો અને તમારી પાસે જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ (DL) છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ટ્રાફિક નિયમોના આકરા પાલન અને પરિવહન વિભાગના નવા નિર્દેશો અનુસાર, દરેક વાહનચાલકે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક્ટિવ મોબાઈલ નંબર લિંક કરાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જે વાહનચાલકોના લાયસન્સમાં મોબાઈલ નંબર અથવા ફોટો અપડેટ નથી, તેમના માટે આગામી ૨૫ સપ્ટેમ્બર સુધીની અંતિમ મુદત આપવામાં આવી છે. સમયસર આ કામ પૂરું ન થવાની સ્થિતિમાં ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની આકરી કાર્યવાહી થઈ શકે છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા ડ્રાઇવિંગ લાયસન્સમાં તો મોબાઈલ નંબર પહેલેથી જ અપડેટ થઈને આવે છે, પરંતુ વર્ષો જૂના લાયસન્સ ધારકો માટે આ પ્રક્રિયા કરવી અનિવાર્ય બની છે. ટ્રાફિક ઈ-ચલાન, ઈ-મેમો અને લાયસન્સ રિન્યુઅલ જેવા મહત્વના મેસેજ વાહનચાલક સુધી સહેલાઈથી પહોંચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. રાહતની વાત એ છે કે આ કામ માટે તમારે કોઈ સરકારી કચેરી કે આરટીઓ (RTO) ના ધક્કા ખાવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ ઓનલાઈન આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
અપડેટ કરવા માટે વાહનચાલકે સૌથી પહેલાં પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in પર જઈને પોતાનું રાજ્ય પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ 'Other' મેનૂમાંથી 'Update Mobile Number' નો વિકલ્પ પસંદ કરી, પોતાના લાયસન્સની જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે. આ વિગતો સબમિટ કર્યા બાદ નવો મોબાઈલ નંબર નાખીને ઓટીપી (OTP) વેરિફાય કરતાની સાથે જ લાયસન્સ સાથે મોબાઈલ નંબર તુરંત લિંક થઈ જશે. ૨૫ સપ્ટેમ્બરની ડેડલાઈન નજીક હોવાથી તમામ વાહનચાલકોને વહેલી તકે આ કામ પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
