તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
સોના-ડ્રગ્સના સ્મગલિંગ રેકેટ પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક: મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સિન્ડિકેટનો સફાયો, સુરતમાંથી કરોડોનું કોકેઈન ઝડપાયું!
એરપોર્ટના ઇનસાઇડર્સની મદદથી ચાલતા ૨૩ કરોડના નેટવર્કનો પર્દાફાશ, ૧૫ કિલો સોના સાથે ૧૫ પકડાયા: સોનું ઓગાળવાની ગુપ્ત લેબ પણ ઝડપી પાડી, સુરતમાંથી નશાના સોદાગરોની ધરપકડ

મુંબઈ : દેશની આર્થિક સુરક્ષાને નુકસાન પહોંચાડતા સ્મગલિંગ નેટવર્ક સામે ‘ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ’ (DRI) એ એક મોટી અને અત્યંત સંગઠિત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી કરતા એક મોટા સિન્ડિકેટ (ટોળકી) નો પર્દાફાશ કર્યો છે. મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમ જેવા દેશના મુખ્ય શહેરોમાં ફેલાયેલી આ ટોળકી પર DRI એ એકસાથે ત્રાટકીને આશરે ૨૩ કરોડ રૂપિયાની કિંમતનું ૧૫ કિલોગ્રામ વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું છે. આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન દરમિયાન મુખ્ય સૂત્રધારો સહિત ૧૫ શાતિર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
એરપોર્ટ સેટિંગ અને સોનું ઓગળવાની સીક્રેટ લેબનો પર્દાફાશ
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ સ્મગલિંગ સિન્ડિકેટ અત્યંત આધુનિક પદ્ધતિથી ઓપરેટ થઈ રહ્યું હતું. આ લોકો એરપોર્ટની અંદર કામ કરતા કેટલાક કર્મચારીઓ અને આંતરિક એક્સેસ (Internal Access) નો દુરુપયોગ કરીને કસ્ટમ્સની નજરથી બચીને વિદેશી સોનું દેશમાં ઘુસાડતા હતા. પકડાઈ ન જવાય તે માટે તેઓ મલ્ટી-લેયર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો ઉપયોગ કરતા હતા. DRI એ દરોડા દરમિયાન એક એવી ગુપ્ત ફેક્ટરી પણ શોધી કાઢી છે જ્યાં વિદેશથી લાવવામાં આવેલા સોનાને તાત્કાલિક પીગળાવીને તેનો આકાર બદલી નાખવામાં આવતો હતો, જેથી તેના અસલી માર્કિંગ ભૂંસી શકાય.
સુરતમાં DRIની રેડ: ડ્રગ્સ માફિયાઓ પર પણ કડક સકંજો:
સોનાની દાણચોરી ઉપરાંત, DRI એ ગુજરાતના હીરા નગરી ગણાતા સુરત શહેરમાં પણ નશાના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે:
· ૨ કિલો કોકેઈન જપ્ત: સુરતમાંથી ગુપ્ત ઓપરેશન દરમિયાન ૨ કિલોગ્રામ શુદ્ધ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે અને NDPS એક્ટ, ૧૯૮૫ હેઠળ ડ્રગ્સની હેરાફેરી કરનારા મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે.
· ૨૬ કિલો ડ્રગ્સ અને વિદેશી કનેક્શન: માત્ર છેલ્લા એક મહિનામાં જ DRI એ દેશના વિવિધ ભાગોમાંથી કુલ ૨૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે, જેમાં ૧૪ વિદેશી નાગરિકો સહિત કુલ ૨૨ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પેડલર્સને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.
ડ્રગ્સ છુપાવવાની નવી અને ચોંકાવનારી પદ્ધતિઓ
તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ માફિયાઓ કાયદાની નજરમાંથી બચવા માટે અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) અપનાવી રહ્યા હતા. તેઓ પ્રતિબંધિત કોકેઈનને કેપ્સ્યુલ સ્વરૂપે ગળી જઈને પેટમાં છુપાવતા હતા, ઉપરાંત ઘરગથ્થુ સમાન, ખાવા-પીવાની ચીજવસ્તુઓ, કપડાંની અંદર કેમિકલ સ્વરૂપે પલાળીને અને લગેજ બેગના ગુપ્ત ખાનાઓમાં છુપાવીને લાવતા હતા. કસ્ટમ્સ અને DRI ની આ સંયુક્ત અને આક્રમક ઝુંબેશના કારણે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ બજારમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
