News of Friday, 8th May 2026
અમેરિકામાં નોકરી કરવાનું સપનું હવે થશે મોંઘું: ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા ધારકોના લઘુત્તમ પગારમાં 30% સુધીના તોતિંગ વધારાની તૈયારીમાં
ભારતીય એન્જિનિયરો માટે પડકાર: સાન ફ્રાન્સિસ્કોમાં સોફ્ટવેર એન્જિનિયરનો પગાર 1.35 કરોડ રૂપિયા (1,62,000 ડૉલર) હોય તો જ મળશે વિઝા, કંપનીઓ પર વાર્ષિક 1.5 લાખ કરોડનો વધારાનો બોજ પડશે

વોશિંગ્ટન: અમેરિકામાં સ્થાયી થવા અને ત્યાંની દિગ્ગજ કંપનીઓમાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે ચિંતાજનક સમાચાર છે. ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરફારોની દરખાસ્ત રજૂ કરી છે, જેનો મુખ્ય હેતુ વિદેશી કર્મચારીઓને રાખવાનું અમેરિકન કંપનીઓ માટે મોંઘું બનાવવાનો છે. આ નવા પ્રસ્તાવ મુજબ, એન્ટ્રી-લેવલના સોફ્ટવેર એન્જિનિયરો માટે લઘુત્તમ પગારની મર્યાદામાં ધરખમ વધારો કરવામાં આવશે.
જો આ પ્રસ્તાવ મંજૂર થશે, તો સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરમાં H-1B વિઝા માટે લાયક ઠરવા માટે એન્જિનિયરે વાર્ષિક ઓછામાં ઓછા $162,000 (આશરે 1.35 કરોડ રૂપિયા) કમાવવા પડશે, જે અત્યારના સ્તર કરતા લગભગ 30% વધુ છે. એ જ રીતે ડલાસમાં $113,000 અને ન્યૂયોર્કમાં $132,000 લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પગલાથી અમેરિકન કામદારોના વેતનમાં થતો ઘટાડો અટકાવી શકાશે અને વિદેશીઓ દ્વારા કરવામાં આવતા સસ્તા શ્રમનો અંત આવશે.
એક અંદાજ મુજબ, આ ફેરફારને કારણે અમેરિકન કંપનીઓ પર પ્રથમ 12 મહિનામાં જ 18 અબજ ડૉલર (આશરે 1.5 લાખ કરોડ રૂપિયા)નો વધારાનો આર્થિક બોજ પડશે. ત્રણ વર્ષના ગાળામાં આ ખર્ચ વધીને 43 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે. આ આર્થિક ફટકાના કારણે ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓ એન્ટ્રી-લેવલના વિદેશી કર્મચારીઓની ભરતીમાં કાપ મૂકી શકે છે, જેની સીધી અસર અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા પણ ભૂતકાળમાં H-1B વિઝા દ્વારા જ આ મુકામ પર પહોંચ્યા હતા. સુંદર પિચાઈએ અગાઉ પણ ઈમિગ્રેશનના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે તે અમેરિકાની સફળતાનો પાયો છે. જો કે, નવા નિયમોથી હવે માત્ર તે જ વિદેશી કર્મચારીઓ અમેરિકા જઈ શકશે જેઓ ખૂબ જ ઉચ્ચ સ્તરનું કૌશલ્ય અને અનુભવ ધરાવતા હશે. નિષ્ણાતો માને છે કે જો વિદેશી ટેલેન્ટ મોંઘી પડશે, તો ઘણી કંપનીઓ પોતાની કામગીરી અમેરિકાની બહાર ભારત કે અન્ય દેશોમાં ખસેડવાનું પણ વિચારી શકે છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
