News of Thursday, 28th May 2026
વિદેશ ભણવાનું સપનું થશે પૂરું : વર્લ્ડબેન્ક આપશે સ્કોલરશીપ : માત્ર ટ્યુશન ફી જ નહીં, રહેવા-જમવાના ખર્ચથી લઈને ફ્લાઇટ ટિકિટ સુધીની પણ સુવિધા
વિદ્યાર્થીને ભારતથી જે દેશમાં અભ્યાસ માટે જવાનું છે ત્યાં સુધીની આવન-જાવનની ફ્લાઇટ ટિકિટ પણ આપવામાં આવશે. સાથે જ 600 ડોલરનું ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે.

વિદેશમાં ભણવાનું સપનું ઘણા વિદ્યાર્થીઓ જોતા હોય છે, પરંતુ ભારે ખર્ચને કારણે અનેક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. હવે એવા વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. World Bank ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશિપ લઈને આવ્યું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય મળશે. ખાસ વાત એ છે કે આ સ્કોલરશિપ હેઠળ માત્ર ટ્યુશન ફી જ નહીં, પરંતુ રહેવા-જમવાના ખર્ચથી લઈને ફ્લાઇટ ટિકિટ સુધીની સુવિધા આપવામાં આવશે.
World Bank દ્વારા આપવામાં આવતી આ સ્કોલરશિપનું નામ “Joint Japan/World Bank Graduate Scholarship Program” એટલે કે JJ/WBGSP છે. આ સ્કોલરશિપ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે છે, જે ડેવલપમેન્ટ સંબંધિત ક્ષેત્રોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માંગે છે અને પોતાના દેશના વિકાસમાં યોગદાન આપવા ઈચ્છે છે.
ભારત સહિત અનેક વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે આ તક ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે, જેઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે પરંતુ ખર્ચને લઈને ચિંતિત છે.
World Bankની આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને સંપૂર્ણ આર્થિક સહાય આપે છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓની માસ્ટર્સ કોર્સની સંપૂર્ણ ટ્યુશન ફી માફ કરવામાં આવશે. ઉપરાંત મેડિકલ ઈન્શ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે.
વિદ્યાર્થીને ભારતથી જે દેશમાં અભ્યાસ માટે જવાનું છે ત્યાં સુધીની આવન-જાવનની ફ્લાઇટ ટિકિટ પણ આપવામાં આવશે. સાથે જ 600 ડોલરનું ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. એટલું જ નહીં, રહેવા, ખાવા અને પુસ્તકોના ખર્ચ માટે દર મહિને અલગથી સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.
આ સ્કોલરશિપ માટે અરજી કરવા કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે. અરજદાર World Bankના સભ્ય એવા વિકાસશીલ દેશનો નાગરિક હોવો જોઈએ, જેમાં ભારત પણ સામેલ છે.
અરજદાર પાસે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ અરજી કરતી વખતે ડેવલપમેન્ટ સંબંધિત ક્ષેત્રમાં ફુલ-ટાઈમ કામ કરતું હોવું જોઈએ. છેલ્લા 6 વર્ષમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ પણ જરૂરી ગણાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થી પાસે World Bankના સ્કોલરશિપ પ્રોગ્રામમાં સામેલ યુનિવર્સિટીઓમાંથી કોઈ એકનો એડમિશન ઓફર લેટર હોવો પણ ફરજિયાત છે. ઉપરાંત વિદ્યાર્થીએ અભ્યાસ પૂર્ણ થયા પછી પોતાના દેશમાં પરત આવી વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવવી પડશે.
સ્કોલરશિપ માટે ઉમેદવારોની પસંદગી ખાસ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. તેમાં પ્રોફેશનલ અનુભવ, ભલામણો, પોતાના દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિને આધારે મૂલ્યાંકન થાય છે. પસંદગી દરમિયાન ભૌગોલિક અને લિંગ આધારિત વિવિધતાને પણ મહત્વ આપવામાં આવે છે. સાથે જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ સ્કોલરશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે છે. વિદ્યાર્થીઓએ પહેલા સ્કોલરશિપમાં સામેલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડશે અને ત્યારબાદ સ્કોલરશિપ માટે અરજી કરવી પડશે. વિદેશમાં અભ્યાસનું સપનું જોતા અને પોતાની કારકિર્દીને નવી ઊંચાઈ આપવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ સોનેરી તક સાબિત થઈ શકે છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
