તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
યુરોપ પહોંચવાનું સપનું મોતની મુસાફરી બન્યું: ક્રોએશિયા-સ્લોવેનિયા સરહદ પર ટ્રકમાંથી 4 શ્રમિકોના મૃતદેહ મળ્યા, માનવ તસ્કરીનો પર્દાફાશ
અરેરાટીભરી ઘટના: "અમાનવીય સ્થિતિ"માં મુસાફરી કરતા 2 શ્રમિકો ગંભીર, અજ્ઞાત તસ્કર સરહદે નિસહાય લોકોને છોડીને ફરાર

ઝાગ્રેબ, તા.૦૪: યુરોપના સપના જોઈ રહેલા સ્થળાંતરિતો (Migrants) માટે બાલ્કન રૂટ ફરી એકવાર 'ડેથ ટ્રેપ' સાબિત થયો છે. ક્રોએશિયા-સ્લોવેનિયા સરહદ પાસે સોમવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અમાનવીય રીતે ટ્રકમાં લઈ જવામાં આવી રહેલા ચાર શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે. ક્રોએશિયા પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, અન્ય બે વ્યક્તિઓની હાલત પણ અત્યંત નાજુક છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તસ્કર રસ્તામાં જ મરવા માટે છોડી ગયો
આ ઘટના ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબથી 70 કિમી દૂર આવેલા દોન્યે પ્રિલિસ્ચે ગામ પાસે બની છે. પ્રાથમિક તપાસ મુજબ, એક અજ્ઞાત માનવ તસ્કર આ તમામ લોકોને ટ્રકમાં ઠાંસી ઠાંસીને ભરીને લાવ્યો હતો. સરહદ પાસે પહોંચતા જ તે તમામ 19 લોકોને અસહ્ય હાલતમાં રસ્તા પર ઉતારીને ભાગી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી અન્ય 13 લોકોને પણ સુરક્ષિત બચાવી લીધા છે અને તેમને હાલ અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
મોતનું કારણ હજુ અસ્પષ્ટ
શ્રમિકોના મોત કેવી રીતે થયા તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ જે રીતે ટ્રકમાં તેમને લાવવામાં આવ્યા હતા તે જોતા ગૂંગળામણ અથવા અત્યંત ખરાબ સ્થિતિને કારણે જીવ ગયા હોવાની શંકા છે. ક્રોએશિયા યુરોપિયન યુનિયનનું સભ્ય હોવાથી, ઈરેગ્યુલર માઈગ્રન્ટ્સ માટે તે પશ્ચિમ યુરોપ પહોંચવાનો મુખ્ય રસ્તો છે.
બાલ્કન રૂટ પર સતત વધતા અકસ્માતો
આ વર્ષે બાલ્કન રૂટ પર જીવ ગુમાવનારાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. અગાઉ, બોસ્નિયાથી ક્રોએશિયા નદી ઓળંગતી વખતે એક ચીની નાગરિકનું ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે ગયા મહિને 30 લોકોને કાદવમાંથી બચાવવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સંગઠન (IOM) ના ડેટા મુજબ, 2014 થી અત્યાર સુધી આ જોખમી માર્ગ પર 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે.
જોખમી સફરની મજબૂરી
યુરોપના કડક સરહદી નિયંત્રણોને કારણે, પકડાઈ જવાની બીકે અનેક શ્રમિકો માનવ તસ્કરોના સહારે જોખમી મુસાફરી કરવા મજબૂર બને છે. પર્વતીય વિસ્તારો અને ખરાબ હવામાન વચ્ચે પણ આ લોકો જીવના જોખમે સરહદ ઓળંગવા પ્રયાસ કરે છે, જેનો અંત ઘણીવાર આવી કરૂણ ઘટનાઓમાં આવે છે. હાલમાં ક્રોએશિયા પોલીસ ફરાર તસ્કરને શોધવા અને મૃત્યુના સચોટ કારણો જાણવા માટે ઊંડી તપાસ કરી રહી છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
