<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

અમેરિકા જવાનું સપનું રોળાયું: વિઝા પ્રતિબંધોની કડકાઈને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં ૨૦%નો મોટો ઘટાડો!

ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિઓની અસર: ૬૨% અમેરિકન કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ ઘટ્યા, યુનિવર્સિટીઓના બજેટ પર કાપ મુકાય તેવી ભીતિ, ભારત સહિતના વિદ્યાર્થીઓ હવે અન્ય વિકલ્પો તરફ વળ્યા

ન્યૂયોર્ક, તા. ૧૨: અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઈચ્છા રાખતા લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરના ડેટા મુજબ, આ વસંત સેમેસ્ટરમાં અમેરિકાની કોલેજોમાં વિદેશી અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની નોંધણીમાં ૨૦% નો જંગી ઘટાડો નોંધાયો છે. ૧૪૯ અમેરિકન શાળાઓના સર્વેક્ષણ બાદ બહાર આવેલા આ આંકડા દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળના કડક વિઝા નિયમો અને નવી નીતિઓ સીધી રીતે અસર કરી રહી છે.
યુનિવર્સિટીઓના ખિસ્સા પર પડી અસર
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન યુનિવર્સિટીઓના નાણાકીય માળખામાં કરોડરજ્જુ સમાન છે, કારણ કે તેઓ મોટાભાગે સંપૂર્ણ ટ્યુશન ફી ચૂકવતા હોય છે. સર્વે મુજબ, ૮૪% યુએસ શાળાઓએ સ્વીકાર્યું છે કે આ ઘટાડા પાછળ 'પ્રતિબંધિત સરકારી નીતિઓ' જવાબદાર છે. ત્રીજા ભાગની સંસ્થાઓને હવે ડર છે કે જો વિદ્યાર્થીઓની સંખ્યા આમ જ ઘટતી રહેશે, તો તેમને મોટાપાયે બજેટ કાપ અને શૈક્ષણિક સુવિધાઓમાં ઘટાડો કરવો પડશે.
વિઝા ઇન્ટરવ્યુમાં વિલંબ અને અટકાયતના કિસ્સા
વિદ્યાર્થીઓમાં ભય ફેલાવવાનું મુખ્ય કારણ ગયા વર્ષની કેટલીક ઘટનાઓ છે. ઇમિગ્રેશન અધિકારીઓએ કેમ્પસ અને ડોર્મિટરીઝમાંથી ડઝનબંધ વિદેશી વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જોકે બાદમાં કાયદાકીય લડત બાદ ઘણા કિસ્સાઓ રદ થયા, પરંતુ વિદ્યાર્થીઓના મનમાં અસલામતીની ભાવના ઘર કરી ગઈ છે. વધુમાં, પીક સીઝન દરમિયાન વિઝા ઇન્ટરવ્યુ થોભાવવામાં આવતા અને ગયા ઉનાળામાં વિઝા ઇશ્યુઅન્સમાં ૩૬% નો ઘટાડો થતાં હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું હતું.
વિદ્યાર્થીઓ હવે કઈ તરફ વળ્યા?
અત્યાર સુધી અમેરિકા વિદેશી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી રહેતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. માત્ર અમેરિકા જ નહીં, પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય નોંધણીમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી વિપરીત, યુરોપ અને એશિયાની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે એવા દેશો પસંદ કરી રહ્યા છે જ્યાં વિઝા નીતિઓ થોડી ઉદાર હોય અને અભ્યાસ બાદ કામ કરવાની તકો પણ સરળતાથી ઉપલબ્ધ હોય.
અમેરિકામાં પાનખર પ્રવેશ (Fall Admission) માટે આ વલણ એક ચેતવણી સમાન છે. જો નીતિઓમાં ફેરફાર નહીં થાય, તો આગામી સમયમાં અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓ માટે નાણાકીય કટોકટી ઉભી થઈ શકે છે.

(5:08 PM IST)