<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ફેમિલી સ્‍પોન્‍સરશિપ પર અમેરિકા જવાના વેઈટિંગમાં ધરખમ ઘટાડો

ઓગસ્‍ટ ૨૦૨૬ના વિઝા બુલેટિનમાં અલગ-અલગ કેટેગરીમાં એપ્‍લાય કરનારા લોકોની ફાઈલ્‍સ ઝડપથી આગળ વધી

નવી દિલ્‍હી,તા.૨૨: ફેમિલી સ્‍પોન્‍સરશિપ પર અમેરિકા જવાની રાહ જોઈ રહેલા ઈન્‍ડિયન્‍સ માટે ઓગસ્‍ટ ૨૦૨૬નું વિઝા બુલેટિન મોટી રાહતના સમાચાર લઈને આવ્‍યું છે. આમ તો છેલ્લા ઘણા મહિનાથી લોકોની ગ્રીન કાર્ડ માટેની ફાઈલ્‍સ અટવાઈ ગઈ હતી પરંતુ લેટેસ્‍ટ વિઝા બુલેટિનમાં વેઈટિંગમાં ખાસ્‍સો ઘટાડો થયો છે.

અમેરિકન સિટીઝન્‍સ અથવા પરમેનન્‍ટ રેસિડેન્‍ટ્‍સ દ્વારા પોતાના સ્‍પાઉસ, સંતાનો અને ફેમિલી મેમ્‍બર્સને ગ્રીન કાર્ડ પર અમેરિકા બોલાવવા માટે જે અલગ-અલગ કેટેગરીમાં એપ્‍લિકેશન કરાય છે તેમાં F1, F2A, F2B, F3 અને F4 જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. F1 કેટેગરીમાં યુએસ સિટીઝન પોતાના ૨૧ વર્ષથી વધુની વય ધરાવતા અનમેરિડ સંતાનોને બોલાવી શકે છે, લેટેસ્‍ટ વિઝા બુલેટિન અનુસાર આ કેટેગરીમાં ૧૫ ડિસેમ્‍બર ૨૦૧૮ પહેલા જેમની એપ્‍લિકેશન ફાઈલ થઈ છે તેમને હવે ગ્રીન કાર્ડ ઈશ્‍યૂ થવાનું શરૂ થશે.

F2A કેટેગરીમાં ગ્રીન કાર્ડ હોલ્‍ડર્સ પોતાના સ્‍પાઉસ અને ૨૧ વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને યુએસ બોલાવી શકે છે, જેની ફાઈનલ એક્‍શન ડેટ ૨૨ જુલાઈ ૨૦૨૬ છે, આ કેટેગરીમાં ચાલી રહેલા વેઈટિંગમાં ગયા મહિનાની સરખામણીએ ૧૯ મહિનાનો સૌથી ઉંચો જમ્‍પ જોવા મળ્‍યો છે.

ગયા મહિને તેની ફાઈનલ એક્‍શન ડેટ ૦૧ જાન્‍યુઆરી ૨૦૨૫ હતી, જે હવે ૨૨ જુલાઈ થઈ ગઈ છે. F2B કેટેગરીમાં ગ્રીન કાર્ડ હોલ્‍ડર્સ તેમના ૨૧ વર્ષથી વધુ વય ધરાવતા અનમેરિડ સંતાનોને અમેરિકા બોલાવી શકે છે અને આ કેટેગરીમાં ૦૧ જાન્‍યુઆરી ૨૦૧૮ પહેલા જેમણે એપ્‍લિકેશન કરી હતી તેમને ગ્રીન કાર્ડ ઈશ્‍યૂ થવાનું શરૂ થશે.

F3 કેટેગરીમાં યુએસ સિટીઝન્‍સના પરિણિત સંતાનો પોતાની ફેમિલી સાથે ગ્રીન કાર્ડ પર અમેરિકા આવી શકે છે, આ કેટેગરીમાં જેમણે ૧૫ મે ૨૦૧૨ પહેલા એપ્‍લાય કર્યું છે તેમને હવે ગમે ત્‍યારે ગ્રીન કાર્ડ મળી શકે છે જ્‍યારે જ્‍૪ કેટેગરીમાં આવનારા એટલે કે અમેરિકન સિટીઝન્‍સના જે ભાઈ-બહેનોએ ૦૧ નવેમ્‍બર ૨૦૦૬ પહેલા એપ્‍લાય કર્યું છે તેમને હવે ગ્રીન કાર્ડ મળી જશે.

લેટેસ્‍ટ બુલેટિનમાં અલગ-અલગ કેટેગરીમાં ચાલી રહેલા વેઈટિંગમાં થયેલા ઘટાડાની વાત કરીએ તો F1 કેટેગરીમાં વેઈટિંગ દસ મહિના ઘટયું છે, F2A કેટેગરીમાં સૌથી વધુ ૧૯ મહિનાનો ઘટાડો થયો છે, F2B કેટેગરીમાં વેઈટિંગ ત્રણ મહિના ઘટયું છે, F3 કેટેગરીમાં ચાલી રહેલા વેઈટિંગમાં જુલાઈની સરખામણીએ માત્ર એક જ મહિનાનો ફરક પડ્‍યો છે જ્‍યારે F4 કેટેગરીમાં વેઈટિંગ જેમનું તેમ રહ્યું છે.

હવે જો ડેટ્‍સ ફોર ફાઈલિંગની વાત કરીએ તો F1 કેટેગરીમાં ૧૫ જૂન ૨૦૧૯ પહેલા એપ્‍લિકેશન કરનારા લોકોને હવે ડોકયુમેન્‍ટ્‍સ સબમિટ કરાવવાના રહેશે, જ્‍યારે F2A કેટેગરીમાં જેમણે હાલમાં એપ્‍લિકેશન કરી છે તેમનું સબમિશન પણ આવી ગયું છે.

F2B કેટેગરીમાં આવતા જે લોકોએ ૦૧ જાન્‍યુઆરી ૨૦૧૯ પહેલા સબમિશન કર્યું છે તેમની ફાઈલ હવે ખૂલવા માંડી છે, જ્‍યારે જ્‍૩ કેટેગરીમાં ૦૧ માર્ચ ૨૦૧૩ પહેલા ફાઈલ મૂકનારાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. છેલ્લે F4 કેટેગરીમાં અમેરિકા જવા માગતા જે લોકોની ફાઈલ ૧૫ ડિસેમ્‍બર ૨૦૦૬ પહેલા સબમિટ થઈ હતી તેમને હવે ડોકયુમેન્‍ટ્‍સ તૈયાર રાખવા પડશે.

ડિપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટ દર મહિને જે વિઝા બુલેટિન બહાર પાડે છે તેમાં ફાઈનલ એક્‍શન ડેટ અને ડેટ ઓફ ફાઈલિંગની માહિતી સૌથી મહત્‍વની હોય છે. જેમનું કટ-ઓફ ફાઈનલ એક્‍શન ડેટમાં આવી ગયું હોય તેમને એપ્‍લિકેશન અપ્રુવ થયે ગ્રીન કાર્ડ ઈશ્‍યૂ કરી દેવાય છે, જ્‍યારે ડેટ ઓફ ફાઈલિંગમાં જેમનો નંબર આવી ગયો હોય તેમણે પોતાના ડોકયુમેન્‍ટ્‍સ સબમિટ કરાવવાના રહે છે.

F4 કેટેગરીમાં ફેમિલી સ્‍પોન્‍સરશિપ પર અમેરિકા જવા માગતા લોકો ને સૌથી વધુ વેઈટિંગમાં રહેવું પડે છે. આ કેટેગરીમાં અમેરિકન સિટીઝન્‍સ પોતાના સગા ભાઈ-બહેનોને પરિવાર સાથે અમેરિકા બોલાવી શકે છે. જોકે, હાલ તેમાં વીસેક વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું છે. મતલબ કે, અમેરિકામાં રહેતા તમારા સગા બહેન-ભાઈ તમને ત્‍યાં બોલાવવા માટે જો આજે એપ્‍લાય કરે તો વીસેક વર્ષ પછી તમારો નંબર આવે. તેવી જ રીતે યુએસ સિટીઝન્‍સના મેરિડ સંતાનો માટે પણ હાલ પંદરેક વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

(3:24 PM IST)