તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
'ડ્રેગન'ની નાપાક ચાલનો પર્દાફાશ: ભારતને ઘેરવા માટે ચીન પાકિસ્તાનને બનાવી રહ્યું છે મોહરું, અમેરિકી રિપોર્ટમાં મોટો ખુલાસો
સીધા યુદ્ધમાં ઉતર્યા વિના પાકિસ્તાનને સૈન્ય, ગુપ્તચર અને આર્થિક મદદ પૂરી પાડીને ભારત સામે 'ટુ-ફ્રન્ટ' (બે મોરચે) યુદ્ધનું જોખમ ઊભું કરી રહ્યું છે બેઇજિંગ: USCC રિપોર્ટમાં ચેતવણી

વોશિંગ્ટન/નવી દિલ્હી: ભારતની વધતી જતી વૈશ્વિક તાકાત અને પ્રભાવને રોકવા માટે ચીન પડદા પાછળ રહીને મોટું કાવતરું ઘડી રહ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો અમેરિકાના એક અત્યંત મહત્વપૂર્ણ રિપોર્ટમાં થયો છે. 'યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશન' (USCC) દ્વારા અમેરિકી કોંગ્રેસને સુપરત કરવામાં આવેલા ૨૦૨૬ના વાર્ષિક અહેવાલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, ચીન પાકિસ્તાન સાથેની પોતાની સૈન્ય ભાગીદારીને વધુ ગાઢ બનાવીને ભારત માટે 'ટુ-ફ્રન્ટ વોર' (બે મોરચે સુરક્ષા પડકાર) ની સ્થિતિ પેદા કરી રહ્યું છે.
'ઓપરેશન સિંદૂર' દરમિયાન ચીનની ભૂમિકા ખુલ્લી પડી
અમેરિકી કમિશનના રિપોર્ટમાં 'ચાઇનાઝ અધર ફ્રન્ટ: ઇન્ડિયા એન્ડ ધ ફ્યુચર ઓફ યુએસ સ્ટ્રેટેજી ઇન ધ ઇન્ડો-પેસિફિક' શીર્ષક હેઠળના પ્રકરણમાં જણાવાયું છે કે, મે ૨૦૨૫માં પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' વખતે ચીનની નાપાક રણનીતિ સામે આવી હતી. રિપોર્ટ મુજબ, ચીન પોતે સીધા યુદ્ધમાં ઉતર્યા વિના પાકિસ્તાનને સ્થળ પર જ ટેકનિકલ સહાય, આધુનિક હથિયારો અને ગુપ્તચર માહિતી પૂરી પાડીને ભારત સામે મજબૂત કરી રહ્યું છે. ભવિષ્યમાં જો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સંઘર્ષ થાય, તો ચીન પાછલા બારણેથી પાકિસ્તાનને સંપૂર્ણ સૈન્ય પીઠબળ પૂરું પાડીને ભારતની વ્યૂહાત્મક યોજનાઓને મુશ્કેલ બનાવી શકે છે.
હિંદ મહાસાગર અને સરહદે ચીનની ઘેરાબંધી
રિપોર્ટમાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં ચીનની આક્રમક નીતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે:
દરિયાઈ વિસ્તારવાદ: ચીન જીબુતી, ગ્વાદર (પાકિસ્તાન), હંબનટોટા (શ્રીલંકા) અને ચટગાંવ (બાંગ્લાદેશ) જેવા બંદરો અને લોજિસ્ટિક્સ સુવિધાઓ દ્વારા હિંદ મહાસાગરમાં પોતાની નૌકાદળની હાજરી ઝડપથી વધારી રહ્યું છે. આ ઉપરાંત, દક્ષિણ ચીન સાગરની જેમ હિંદ મહાસાગરમાં પણ સમુદ્રતળના સ્થળોના નામ બદલીને ભવિષ્યમાં પોતાના અધિકારનો દાવો કરવાની ભૂમિકા તૈયાર કરી રહ્યું છે.
સરહદી અને આર્થિક દબાણ: અરુણાચલ પ્રદેશ પર પોતાના દાવા મજબૂત કરવા માટે ચીન તવાંગ નજીક 'ડ્યુઅલ-યુઝ' (સૈન્ય અને નાગરિક બંને હેતુ માટે વપરાતી) સુવિધાઓ ઊભી કરી રહ્યું છે. આર્થિક મોરચે પણ ભારતના વિકાસને અવરોધવા માટે ખાસ ખાતરો, ટનલ બોરિંગ મશીનો, રેર અર્થ મેગ્નેટ અને બેટરી ટેકનોલોજીના ટ્રાન્સફર પર અંકુશો મૂકીને દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાડોશી દેશોમાં પગપેસારો: બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને ભૂતાનમાં પણ ચીન પોતાનો પ્રભાવ વધારીને ભારતને વ્યૂહાત્મક રીતે ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ભારતની મજબૂત તૈયારી અને અમેરિકાને ભલામણ
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ચીનના આ પડકારોનો સામનો કરવા માટે ભારતે પણ સરહદી માળખાગત સુવિધાઓ, નૌકાદળની ક્ષમતા, સાયબર સુરક્ષા અને ડ્રોન ટેકનોલોજીમાં મોટો વધારો કર્યો છે. ખાસ કરીને ૨૦૩૫ સુધીમાં બહુ-સ્તરીય એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઊભી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિશન સુદર્શન ચક્ર'નો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
અમેરિકી કમિશને સંસદને ભલામણ કરી છે કે, હિંદ મહાસાગરમાં ચીની નૌકાદળ અને સબમરીનની ગતિવિધિઓ પર સંયુક્ત નજર રાખવા, ગુપ્તચર માહિતીની આપ-લે વધારવા અને ભારત સાથે સંરક્ષણ સહયોગને માત્ર સૈન્ય અભ્યાસ પૂરતો સીમિત ન રાખતા વધુ સક્રિય અને વ્યૂહાત્મક બનાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
