<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ડ્રેગનની ચાલ: રણમાં બનાવ્યું ત્રણ સ્તરનું પરમાણુ ચક્રવ્યૂહ : અમેરિકાનું ગળું દબાવાનો પ્રયાસ

ચીને હામી ન્યુક્લિયર સાયલો નજીક સેંકડો લોન્ચ પેડ અને બખ્તરબંધ બંકરોનું ગુપ્ત નેટવર્ક ઊભું કર્યું : સેટેલાઇટ તસવીરોથી ડ્રેગનની ખતરનાક પરમાણુ વ્યૂહરચનાનો પર્દાફાશ થતાં પેન્ટાગોન સ્તબ્ધ

બેઇજિંગ: ચીને અમેરિકાની ઊંઘ હરામ કરી નાખે તેવો એક નવો ન્યુક્લિયર માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર-પશ્ચિમ ચીનના હામી રણમાં આવેલી ન્યુક્લિયર સાયલો સાઇટ નજીક ડ્રેગને ગુપ્ત રીતે એક એવું ત્રણ સ્તરનું પરમાણુ ચક્રવ્યૂહ ઊભું કર્યું છે, જેમાં પ્રવેશવું અમેરિકા માટે અશક્ય માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ ગુપ્ત માહિતી અને તસવીરોએ પશ્ચિમી દેશોને ચોંકાવી દીધા છે. ચીને આ વેરાન વિસ્તારમાં 80 થી વધુ નવા કોંક્રિટ લોન્ચ પેડ અને ભૂગર્ભ બંકરોનું વિશાળ નેટવર્ક તૈયાર કરી લીધું છે. આ માળખું એટલું અદ્યતન છે કે તેનાથી ચીનની સૌથી લાંબા અંતરની ન્યુક્લિયર મિસાઇલો ક્ષણભરમાં અમેરિકાના કોઈપણ શહેરને રાખમાં ફેરવી દેવાની ક્ષમતા ધરાવે છે.

આ રણ વિસ્તારમાં ચીને ચતુરાઈપૂર્વક અષ્ટકોણ આકારના ત્રણ લશ્કરી થાણા બનાવ્યા છે, જેમાંથી ઉત્તરી બેઝને ત્રણ-સ્તરીય અત્યંત જટિલ ભુલભુલામણી તરીકે ડિઝાઇન કરાયો છે. આ ભુલભુલામણીના કેન્દ્રમાં મુખ્ય કમાન્ડ બિલ્ડિંગ છે, જ્યારે બીજા સ્તરમાં સૈનિકોના રહેવા માટેની વિશાળ ગોળાકાર રિંગ છે. સૌથી બહારના ત્રીજા સ્તરમાં ભારે લશ્કરી વાહનો અને ઘાતક ટ્રક-માઉન્ટેડ મિસાઇલ લોન્ચર્સને છુપાવવાની વ્યવસ્થા છે. આખો બેઝ આધુનિક એર-ડિફેન્સ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને રેલ્વે લાઈનો સાથે સીધો હામીની મુખ્ય પરમાણુ સાયલો સાથે જોડાયેલો છે. તાજેતરમાં એપ્રિલ અને મે મહિનામાં આ વિસ્તારમાં ચીની સેના દ્વારા ઘાતક મિસાઇલ બેટરીઓ સાથે ભારે લશ્કરી કવાયતો પણ નોંધાઈ છે.

સંરક્ષણ નિષ્ણાતોના મતે, ચીનનો આ અભિગમ અમેરિકાના કોઈપણ "ફર્સ્ટ સ્ટ્રાઈક" (પહેલા હુમલા) ને નિષ્ક્રિય કરીને પોતાની વળતા પ્રહારની ક્ષમતા (સેકન્ડ-સ્ટ્રાઈક કેપેબિલિટી) ને અજેય બનાવવાનો છે. આ માટે ચીને "હુઓયાન-1" સેટેલાઇટ નેટવર્ક પણ સક્રિય કર્યું છે, જે દુશ્મનની મિસાઇલ છૂટતા જ માત્ર 90 સેકન્ડમાં તેને ટ્રેક કરી 3 મિનિટમાં વળતો હુમલો કરવાની ચેતવણી આપે છે. પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર, ચીન વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ પોતાના પરમાણુ હથિયારો વધારી રહ્યું છે અને વર્ષ 2030 સુધીમાં તેની પાસે 1,000 થી વધુ પરમાણુ બોમ્બ હશે. વાસ્તવમાં આ સૈન્ય જમાવટનો અસલી હેતુ ભવિષ્યમાં તાઈવાન સંઘર્ષ વખતે અમેરિકા અને પશ્ચિમી દળોને દખલ કરતા રોકીને તેમનું ગળું દબાવવાનો છે.

(6:34 PM IST)