<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ડ્રેગનનો ભ્રમ ભાંગ્યો: અરુણાચલ સરહદે ચીની ઘૂસણખોરીના દાવા સદંતર જૂઠા: ભારતીય સેનાએ અફવાઓનો કિલ્લો ધ્વસ્ત કર્યો

સરહદ પર કોઈ ચીની કેમ્પ નથી અને ભારતીય સેનાની બાજ નજર સામે પીએલએનું એક પણ ડગલું આગળ વધવું અશક્ય છે તેવા મક્કમ નિવેદન સાથે સેનાએ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા ઘૂસણખોરી અને નવા સૈન્ય કેમ્પ બનાવવામાં આવ્યા હોવાના સોશિયલ મીડિયા અહેવાલોથી દેશભરમાં ભારે ચર્ચા જાગી હતી. જોકે, ભારતીય સેનાએ તાત્કાલિક એક્શનમાં આવીને આ તમામ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા, ભ્રામક અને તથ્યહીન ગણાવીને ફગાવી દીધા છે. સ્થાનિક સંગઠન 'નાહ વેલફેર સોસાયટી' દ્વારા કરવામાં આવેલા દાવાઓ બાદ ફેલાયેલી આ સનસનાટી પર સેનાએ સ્પષ્ટ કર્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને દેશની સરહદો અભેદ્ય છે.

વાસ્તવમાં, અફવાઓ એવી હતી કે ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસીને કેટલાક ચોક્કસ સ્થળોએ પોતાના કાયમી થાણા બનાવી લીધા છે, જેના કારણે સ્થાનિક આદિવાસી સમુદાયોની પરંપરાગત જમીનો છીનવાઈ ગઈ છે. ભારતીય સેનાએ સત્તાવાર રીતે દેશવાસીઓને ખાતરી આપતા જણાવ્યું છે કે સરહદ પર તૈનાત આપણા બહાદુર જવાનો અત્યંત સતર્ક છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી પળેપળની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. સેનાના મતે, આવા ભ્રામક સમાચારો માત્ર સનસનાટી અને બિનજરૂરી ભયનું વાતાવરણ ઊભું કરવાનો એક નિંદનીય પ્રયાસ છે, જેમાં સહેજ પણ સત્ય નથી.

બીજી તરફ, આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સરકાર પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે આપણા પૂર્વજોની ભૂમિ, જ્યાં સ્થાનિક લોકો મુક્તપણે પશુઓ ચરાવતા અને વન પેદાશો એકત્રિત કરતા હતા, તે હવે ચીની સેનાના કબજામાં જતી રહી છે. રાજકીય આક્ષેપબાજી વચ્ચે પણ સેનાએ દેશને સ્પષ્ટ અને મક્કમ સંદેશ આપ્યો છે કે કોઈ પણ વિદેશી શક્તિ ભારતીય ભૂમિના એક ઇંચ ભાગ પર પણ પગ મૂકવાની હિંમત કરી શકે તેમ નથી અને લોકોએ આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં.

(10:18 PM IST)