<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ડ્રેગનનું સામ્રાજ્ય ડગમગશે! આફ્રિકાના ખનિજ ભંડાર પર ટ્રમ્પની ત્રાપ: ચીનની સપ્લાય ચેઈન તોડવા અમેરિકાનો ‘માસ્ટર પ્લાન’ તૈયાર

કોપર, કોબાલ્ટ અને લિથિયમ માટે મહાસત્તાઓ સામસામે: શું આફ્રિકાની ધરતી પરથી શરૂ થશે અમેરિકા-ચીન વચ્ચેનું નવું ‘ખનિજ યુદ્ધ’?

બ્રીસેલ્સ : વિશ્વ હવે પરંપરાગત ઈંધણ છોડીને ગ્રીન એનર્જી તરફ વળી રહ્યું છે ત્યારે આધુનિક ટેકનોલોજીના 'કરોડરજ્જુ' સમાન ખનિજો માટે અમેરિકા અને ચીન વચ્ચે જંગ જામ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે જ અમેરિકાએ આફ્રિકાના અખૂટ ખનિજ ભંડાર પર ચીનનો એકાધિકાર ખતમ કરવા માટે અત્યંત આક્રમક વ્યૂહરચના અમલમાં મૂકી છે. આ માત્ર વેપારની લડાઈ નથી, પરંતુ ભવિષ્યની ટેકનોલોજી પર કબજો કરવાની વૈશ્વિક હોડ છે.
ચીનનો અભેદ્ય ગઢ અને 80% કબજો
અત્યાર સુધી આફ્રિકામાં ચીનનો સિક્કો ચાલતો હતો. આંકડા ચોંકાવનારા છે: વૈશ્વિક કોબાલ્ટ રિફાઇનિંગમાં ચીન 80% હિસ્સો ધરાવે છે, જ્યારે લિથિયમ પ્રોસેસિંગમાં 60% અને તાંબાના ગંધણમાં 40% હિસ્સો ધરાવે છે. ચીની કંપનીઓ આફ્રિકામાંથી કાચો માલ સસ્તા ભાવે ઉપાડી જાય છે અને પોતાની ફેક્ટરીઓમાં પ્રોસેસ કરીને અબજો ડોલરની કમાણી કરે છે, જ્યારે સ્થાનિક આફ્રિકન દેશોના હાથમાં માત્ર 5 થી 10 ટકા રકમ જ આવે છે.
અમેરિકાનો વળતો પ્રહાર: ‘લોબિટો કોરિડોર’
ચીનના આ એકાધિકારને તોડવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે ‘લોબિટો કોરિડોર’ પ્રોજેક્ટને હથિયાર બનાવ્યું છે. આ એક એવો રેલ્વે અને બંદર પ્રોજેક્ટ છે જે અંગોલા, કોંગો અને ઝામ્બિયાને સીધો સમુદ્ર માર્ગે પશ્ચિમી દેશો સાથે જોડશે.
•    ખર્ચમાં ઘટાડો: આ પ્રોજેક્ટથી પરિવહન ખર્ચમાં 30% નો ઘટાડો થશે.
•    સમયની બચત: માલ પહોંચાડવાનો સમય 29 દિવસ જેટલો ઘટી જશે.
•    સીધો માર્ગ: હવે ખનિજોને ચીન મોકલવાની જરૂર નહીં રહે, તે સીધા અમેરિકા અને તેના સાથી દેશો સુધી પહોંચી શકશે.
શું ખરેખર યુદ્ધ થશે?
આર્થિક નિષ્ણાતો માને છે કે આ 'કોલ્ડ વોર' જેવી સ્થિતિ છે. ચીને ઈરાન, પાકિસ્તાન અને અન્ય દેશો સાથે મળીને પોતાનું સંરક્ષણ કવચ મજબૂત કર્યું છે, તો બીજી તરફ અમેરિકા આફ્રિકામાં પારદર્શક રોકાણ અને માળખાગત સુવિધાઓ ઊભી કરીને આફ્રિકન દેશોને ચીની દેવાની જાળમાંથી બહાર કાઢવા મથામણ કરી રહ્યું છે.
"આફ્રિકા હવે માત્ર કાચા માલનો સ્ત્રોત નથી, પણ વૈશ્વિક સત્તાનું કેન્દ્ર બની ગયું છે. જો અમેરિકા આફ્રિકન દેશોમાં પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવામાં સફળ રહેશે, તો ચીનનું આર્થિક પતન નિશ્ચિત છે."

(9:38 PM IST)