તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ડ્રેગનનો ૧૪ લાખ કરોડનો સુપર પ્રોજેક્ટ ફ્લોપ! ચીનના પોતાના વૈજ્ઞાનિકોએ ખોલી પોલ—"ભયાનક ભૂકંપથી ગમે ત્યારે તૂટી જશે બ્રહ્મપુત્રા પરનો મેગા ડેમ"
વૈશ્વિક મજાક બનવા તરફ ચીનની એન્જિનિયરિંગ કુશળતા; સક્રિય ફોલ્ટ લાઇન પર ડેમ બાંધીને ફસાયું બેઇજિંગ, ભારતે વર્ષો પહેલા આપેલી ચેતવણી આખરે સાચી સાબિત થઈ

નવી દિલ્હી, તા.૧૦: પોતાની આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગના જોરે આખી દુનિયાને ડરાવવાનો પ્રયાસ કરતું ચીન હવે પોતાના જ કાવતરાના જાળમાં ખરાબ રીતે ફસાયું છે. તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો (જે ભારતમાં આવીને બ્રહ્મપુત્રા બને છે) નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર મેગા ડેમ બનાવવાનું ચીનનું અબજો ડોલરનું સપનું હવે રોળાઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. ૧૪૭ બિલિયન ડોલર (આશરે ₹૧૪,૦૧,૮૩,૩૮,૯૫,૦૦,૦૦/- અથવા ૧૪ લાખ કરોડ રૂપિયા) ના અંધાધૂંધ ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટ પર કોઈ અન્ય દેશે નહીં, પરંતુ ચીનના જ ટોચના વૈજ્ઞાનિકોએ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરીને બેઇજિંગના સત્તાધીશોની ઊંઘ ઉડાવી દીધી છે.
પોતાના જ સંશોધને ખોલી ચીનની પોલ: 'પિઝેન ફોલ્ટ લાઇન' પર છે ડેમ!
ચીનની ગર્વ સમાન ગણાતી આ ટેકનોલોજીની દુનિયાભરમાં વ્યાપકપણે મજાક ઉડી રહી છે કારણ કે 'ચાઇના જીઓલોજિકલ સર્વે' ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ સંશોધનમાં એક મોટો અને ભયાનક ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર, આ વિશાળકાય ડેમ જે સ્થળે બનાવવામાં આવી રહ્યો છે તે આખો વિસ્તાર અત્યંત સક્રિય અને ખતરનાક 'પિઝેન ફોલ્ટ લાઇન' (Active Pizhen Fault) ની બિલકુલ ઉપર આવેલો છે. આ ભૌગોલિક ખામીને કારણે આ વિસ્તારમાં ગમે ત્યારે પ્રચંડ ભૂકંપ, ભયંકર ભૂસ્ખલન અને હિમનદીઓ તૂટવાના કારણે માળખાકીય વિનાશ સર્જાઈ શકે છે અને કરોડો રૂપિયા પાણીમાં જઈ શકે છે.
ભારતની ચિંતા સાચી સાબિત થઈ, ડ્રેગનનો અહંકાર ઓગળ્યો
રસપ્રદ વાત એ છે કે, ભારત ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો સતત ઉઠાવી રહ્યું હતું. નવી દિલ્હીએ વારંવાર ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રહ્મપુત્રા નદીના ઉપરના ભાગમાં (Upper Riparian State) થઈ રહેલું આ બાંધકામ કુદરતી આપત્તિઓની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. જો ભૂકંપને કારણે આ ડેમ તૂટે, તો પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં વિનાશક પૂર આવી શકે છે. અત્યાર સુધી અહંકારી ચીને ભારતની આ તમામ વાજબી ચિંતાઓને વાહિયાત ગણાવીને ફગાવી દીધી હતી અને દાવો કર્યો હતો કે તેમનો પ્રોજેક્ટ ૧૦૦% સુરક્ષિત છે. પરંતુ હવે ચીની સરકારી સંસ્થાના પોતાના જ વૈજ્ઞાનિકોએ આ જોખમને સત્તાવાર અને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડી દીધો છે.
વ્યૂહાત્મક શક્તિનું પ્રતીક હવે બેઇજિંગ માટે માથાનો દુખાવો
આ મેગા ડેમ માત્ર વીજળી ઉત્પન્ન કરવા માટે જ નહીં, પરંતુ ભારત પર વ્યૂહાત્મક દબાણ લાવવા અને પાણીને હથિયાર તરીકે વાપરવા માટેનો બેઇજિંગનો એક મોટો આંતરરાષ્ટ્રીય પ્લાન હતો. પરંતુ કુદરતના નિયમો અને ભૌગોલિક વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને અંધાધૂંધ ઉતાવળમાં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ હવે ચીન માટે ગળાનું હાડકું બની ગયો છે. જો ચીન આ પ્રોજેક્ટ આગળ વધારે છે તો ગમે ત્યારે મોટી જાનમાલની હોનારત સર્જાઈ શકે છે અને જો પ્રોજેક્ટ રોકે છે તો વૈશ્વિક સ્તરે તેના એન્જિનિયરિંગની ભયંકર બદનામી થવી નક્કી છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
