News of Tuesday, 14th April 2026
ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ પર રાજકીય કડવાશ દૂર થઈ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે મધુર મુલાકાત : હાથ મિલાવીને હસતા જોવા મળ્યા
સંસદ પરિસરના પ્રેરણા સ્થળ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દુર્લભ દૃશ્ય : ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી તા.૧૪ : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે મંગળવાર, 14 એપ્રિલ 2026ના રોજ સંસદ પરિસરમાં પ્રેરણા સ્થળ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકીય મતભેદો ભૂલીને સૌહાર્દનું દુર્લભ દૃશ્ય જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હાથ મિલાવીને હળવી ક્ષણો વહેંચી અને હસતા જોવા મળ્યા હતા.
ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે થયેલી આ મધુર મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણીવાર રાજકીય ચર્ચાઓમાં એકબીજાની સામે જોવા મળતા બંને નેતાઓ વચ્ચેની આ સૌહાર્દપૂર્ણ ક્ષણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વાતચીત બાદ તમામ નેતાઓએ સાથે ઊભા રહીને તસવીરો પણ પડાવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતીક ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમની જન્મજયંતિએ દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાય છે. અગાઉ પણ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સંસદમાં બંને નેતાઓ વચ્ચે આવો જ સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
