News of Tuesday, 21st April 2026
દેશમાં ડબલ ઋતુ :ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ :પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સૂર્યદેવ આકરા પાણીએ :તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર:આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં આગામી બે દિવસ ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી

નવી દિલ્હી :સમગ્ર દેશમાં અત્યારે કુદરતના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એકતરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમી અને જીવલેણ 'લૂ'નો સામનો કરી રહ્યું છે, તો બીજીતરફ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે અને તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ગરમીનું જોર વધવાની અને હીટવેવની ચેતવણી આપી છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
ઉત્તર ભારતના મેદાની વિસ્તારો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયું છે, જ્યારે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હીટવેવને કારણે રસ્તાઓ બપોરના સમયે સુમસામ જોવા મળે છે. મધ્યપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં પણ સૂર્યના પ્રકોપથી બચવા લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલ સુધી આ આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
જ્યારે અડધો દેશ ગરમીમાં શેકાઈ રહ્યો છે, ત્યારે પૂર્વોત્તર ભારત માટે રાહતના સમાચાર છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં આગામી બે દિવસ ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. મધ્યપ્રદેશ અને ઝારખંડમાં પણ વાતાવરણમાં પલટો આવવાની અને વાવાઝોડા સાથે હળવા વરસાદની સંભાવના છે. ઝારખંડ સરકારે ગરમીની ગંભીરતાને જોતા બાળકોના સ્વાસ્થ્યના હિતમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેથી વિદ્યાર્થીઓને બપોરની આકરી ગરમીનો સામનો ન કરવો પડે.
વધતી ગરમી અને વાતાવરણના પલટાને જોતા કૃષિ વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે ખાસ સૂચનાઓ આપી છે. ખાસ કરીને તૈયાર પાકને લૂ અને કમોસમી વરસાદથી કેવી રીતે બચાવવો તે અંગે માર્ગદર્શન અપાયું છે. આરોગ્ય વિભાગે પણ નાગરિકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, વધુ પ્રમાણમાં પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરવા સલાહ આપી છે. પંજાબ અને હરિયાણામાં વરસાદની શક્યતાથી ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ લૂનો ખતરો હજુ ટળ્યો નથી.
હવામાનના આ મિશ્રિત માહોલમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ પણ વધી શકે છે. એકાએક ગરમી અને પછી વરસાદી ઠંડકને કારણે શરીરના તાપમાનમાં આવતા ફેરફારથી બચવું જરૂરી છે. પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવું અને તડકાથી બચવા માટેના તમામ ઉપાયો કરવા અત્યંત અનિવાર્ય છે. ગરમીના આ કાળમાં પશુ-પંખીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરીને માનવતા મહેકાવવી જોઈએ.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
