<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અલ નીનોનો બેવડો પ્રહાર: જો વરસાદ રૂઠશે તો દૂધ-કઠોળના ભાવ આસમાને પહોંચશે : શાકભાજી પહેલાથી જ લાલચોળ!

એચડીએફસી બેંકના ટ્રેઝરી રિસર્ચ રિપોર્ટમાં ચોમાસું સામાન્ય કરતાં ૧૦% ઓછું રહેવાની આશંકા વચ્ચે કપાસ અને ખરીફ પાકો પર સંકટના વાદળો : જ્યારે જળાશયોમાં પાણીનું સ્તર રેકોર્ડ ૪૧% હોવાથી રવિ પાકને થોડી રાહત મળવાની આશા

નવી દિલ્હી: જૂન મહિનો આંગણે આવીને ઊભો છે ત્યારે દેશભરના લાખો ખેડૂતો ચાતક નજરે આકાશ તરફ જોઈ રહ્યા છે. ખેતરો ખેડાઈ ગયા છે અને ટ્રેક્ટરો તૈયાર છે, પરંતુ આ વખતે ચિંતા માત્ર ચોમાસાના આગમનની નથી, પણ તેના આયુષ્ય અને પ્રકોપની છે. એચડીએફસી બેંકના તાજેતરના આર્થિક સંશોધન અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬માં ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 'અલ નીનો' (સમુદ્રના તાપમાનમાં વધારો થવાની કુદરતી ઘટના) ના કારણે સામાન્ય કરતાં નબળું રહી શકે છે. હવામાન વિભાગ  ના અંદાજ મુજબ આ વર્ષે વરસાદ લાંબા ગાળાની સરેરાશના માત્ર ૯૦% રહેવાની ધારણા છે, જેનો સીધો અર્થ એ થાય કે ૧૦% વરસાદની અછત વર્તાશે. ભારતમાં ચોમાસું માત્ર હવામાનની ઘટના નથી, પણ તે ગ્રામીણ આવક અને સામાન્ય માણસના રસોડાનું બજેટ નક્કી કરતું હોવાથી આ અહેવાલે મોંઘવારીના મોરચે ચિંતા વધારી દીધી છે.

રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે ચોમાસામાં થતો પ્રત્યેક ૧% નો ઘટાડો દેશના કૃષિ વિકાસ દરમાં ૦.૪% નો સીધો ઘટાડો લાવી શકે છે. ખાસ કરીને સિંચાઈ વગરના અને સંપૂર્ણપણે વરસાદ આધારિત પાકો જેવા કે બાજરી, મકાઈ અને તેલીબિયાં (મગફળી, સોયાબીન) પર આ નબળા ચોમાસાની સૌથી ઘાતક અસર પડશે. ઉદાહરણ તરીકે, રાજસ્થાન દેશની ૪૫% બાજરી પકવે છે, પરંતુ ત્યાંના માત્ર ૪.૩% વિસ્તારમાં જ સિંચાઈની સુવિધા છે. કપાસના પાકને પણ ઓછા વરસાદની સાથે ઊંચા તાપમાન અને જીવાતોના હુમલાનું ડબલ જોખમ છે. બીજી તરફ, ખરીફ કઠોળ ખાસ કરીને તુવેર દાળના ઉત્પાદન પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે દેશની ૪૦% તુવેર પકવતા મહારાષ્ટ્રમાં માત્ર ૧૪% કઠોળના ખેતરો જ સિંચાઈ હેઠળ સુરક્ષિત છે, જેના કારણે આગામી દિવસોમાં દૂધ, તેલ અને કઠોળના ભાવ વધુ ભડકે બળશે.

જોકે, આ ભયાનક ચિત્ર વચ્ચે ડાંગર (ચોખા) અને રવિ પાક માટે રાહતના સમાચાર છે. ભારતમાં ચોખા ઉગાડતા આશરે ૭૦% વિસ્તારો હવે સિંચાઈથી સજ્જ હોવાથી ચોમાસાની વધઘટની તેની પર ખાસ અસર નહીં થાય. આ ઉપરાંત, રવિ પાક (જેમ કે ઘઉં) માટે સૌથી આશ્વાસન આપનારી બાબત એ છે કે એપ્રિલ ૨૦૨૬ સુધીમાં દેશના પ્રમુખ જળાશયોમાં પાણીનો સંગ્રહ તેમની કુલ ક્ષમતાના ૪૧% સુધી પહોંચી ગયો છે, જે વર્ષ ૨૦૨૨ પછીનું સર્વોચ્ચ સ્તર છે. આ જળ સંગ્રહ ૨૦૨૩ ના અલ નીનો વર્ષ કરતાં ઘણો સારો હોવાથી શિયાળુ પાક માટે એક મજબૂત 'સેફ્ટી નેટ' તૈયાર છે. હવે બધો આધાર વરસાદના જથ્થા પર નહીં પરંતુ તેના સાચા સમય (ટાઇમિંગ) પર છે; જો જૂન અને જુલાઈના વાવણીના મુખ્ય મહિનાઓમાં જ વરસાદ ખેંચાશે, તો કૃષિ ક્ષેત્રે મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

(10:25 PM IST)