<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પંજાબમાં ડબલ ધડાકાથી ફફડાટ: "ભારતમાં તો વિસ્ફોટો થતા રહે છે", ફારુક અબ્દુલ્લાના નિવેદનથી વિવાદ

જાલંધર અને અમૃતસર સેનાના સંવેદનશીલ વિસ્તારોમાં વિસ્ફોટ બાદ પંજાબ પોલીસ હાઈ એલર્ટ પર : પાકિસ્તાની ISI ના 'ઓપરેશન સિંદૂર' કાવતરાની શંકા વચ્ચે દેશના રાજકારણમાં ગરમાવો

અમૃતસર:  પંજાબમાં મંગળવારની રાત રણશિંગા ફૂંકતી સાબિત થઈ, જ્યારે માત્ર ત્રણ કલાકના અંતરે જાલંધર અને અમૃતસરમાં બે શક્તિશાળી વિસ્ફોટોએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી. પહેલો વિસ્ફોટ રાત્રે ૮ વાગ્યે જાલંધરમાં BSF ના ફ્રન્ટિયર મુખ્યાલયની બહાર થયો, જ્યારે બીજો ધડાકો રાત્રે ૧૧ વાગ્યે અમૃતસરના ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે થયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્મી કેમ્પની દીવાલ અને નજીકના વાહનોને નુકસાન પહોંચ્યું છે. પોલીસે આ ઘટનાને સામાન્ય અકસ્માત નહીં, પરંતુ દેશની શાંતિ ડહોળવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે.

આ ગંભીર સુરક્ષા ભંગ વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ આપેલા નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અબ્દુલ્લાએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં બેજવાબદાર લહેજામાં કહ્યું કે, "ભારતમાં વિસ્ફોટો થતા રહે છે, તેમાં નવું શું છે? હજુ તો વધુ આવવાનું બાકી છે." તેમના આ નિવેદનથી સુરક્ષા એજન્સીઓ અને સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. વિવેચકોનું માનવું છે કે જ્યારે રાજ્ય સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે જવાબદાર નેતાઓનું આવું વલણ આતંકવાદી તત્વોને પ્રોત્સાહન આપી શકે છે.

પંજાબના ડીજીપી ગૌરવ યાદવે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટો પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાની પ્રબળ શંકા છે. 'ઓપરેશન સિંદૂર'ની વર્ષગાંઠ નજીક હોવાથી સીમા પારના તત્વો પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે ટાઈમર બોમ્બ અથવા રિમોટ કંટ્રોલ ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા હોવાના પુરાવા મળ્યા છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક નમૂનાઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પંજાબ પોલીસે જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે કોઈપણ દેશવિરોધી તત્વને બક્ષવામાં આવશે નહીં.

(10:12 PM IST)