હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આઈટી કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન ન કરવા અને કાયદો હાથમાં ન લેવા પ્રો-કન્નડ સંગઠનોને ડી.કે. શિવકુમારની અપીલ
કન્નડ ભાષીઓ સાથે ભેદભાવના આક્ષેપો પર સરકાર કડક કાર્યવાહી કરશે તેવો ઉપમુખ્યમંત્રીનો ભરોસો

બેંગલુરુ:કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે સ્થાનિક પ્રો-કન્નડ સંગઠનોને રાજ્યના આઈટી (IT) ક્ષેત્ર કે ખાનગી કંપનીઓની મુલાકાત ન લેવા અને કાયદો પોતાના હાથમાં ન લેવાની કડક સૂચના સાથે અપીલ કરી છે. સિલિકોન વેલી ગણાતા બેંગલુરુમાં આઈટી કંપનીઓ દ્વારા કન્નડ ભાષી ઉમેદવારો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો વ્યાપક બનતાં ઉપમુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક એવા વિડિયો અને દાવો વાયરલ થયા હતા જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બેંગલુરુની કેટલીક ટેક કંપનીઓ રેઝ્યૂમેમાં કન્નડ ભાષાનો ઉલ્લેખ હોય અથવા સ્થાનિક કન્નડ ભાષી ઉમેદવારો હોય તેમની સાથે રોજગારીની તકોમાં અન્યાય અને અણગમો દર્શાવી રહી છે. આ ઘટસ્ફોટ બાદ પ્રો-કન્નડ જૂથોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને તેમણે આઈટી ફર્મો સામે સીધા વિરોધ પ્રદર્શન હાથ ધરવાની ચીમકી આપી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉપમુખ્યમંત્રી શિવકુમારે સ્પષ્ટ કર્યું છે કે કર્ણાટકમાં 'કન્નડિગા સાર્વભૌમ' છે અને સ્થાનિક લોકોના અધિકારો તથા સ્વાભિમાન સામે આંચ આવવા દેવામાં નહીં આવે. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક ભાષીઓને નોકરીમાં કડેગણવાની બાબતને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. જો કોઈ ખાનગી કંપની કે સંસ્થા ઈરાદાપૂર્વક કન્નડિગાઓ સાથે ભેદભાવ કરતી જણાશે તો તેની સામે સરકાર નિયમાનુસાર યોગ્ય અને કડક કાનૂની કાર્યવાહી કરશે.
તેમણે ઉમેર્યું કે કોઈ પણ સંગઠને કાયદો પોતાના હાથમાં લઈને કંપનીઓ કે આઈટી પાર્ક્સમાં જઈને વાતાવરણ અશાંત કરવાની જરૂર નથી. કોઈ પણ અન્યાય થાય તો તેની રજૂઆત સરકાર સમક્ષ કરવી, જે અંગે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. આ સાથે જ તેમણે આઈટી કંપનીઓને પણ સ્થાનિક પ્રતિભા અને કન્નડ ભાષીઓની યોગ્ય જગ્યા આપવા માટે તાકીદ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
