<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

બેન્ક મનમાની કરે કે ખાતામાંથી વગર કારણે પૈસા કપાય તો ગભરાશો નહીં: આરબીઆઈનો 14448 નંબર કરશે તુરંત ઉકેલ, જાણો ફરિયાદ કરવાની સરળ રીત!

શાખા કે કસ્ટમર કેર ન સાંભળે તો રિઝર્વ બેન્કની 'ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ' હેઠળ મેળવો મફત ન્યાય; ૩૦ દિવસમાં બેન્કે આપવો પડશે જવાબ

અમદાવાદ, તા.૨૫: આજના આધુનિક સમયમાં દરેક નાગરિકનું બેન્ક ખાતું છે અને નાના-મોટા નાણાકીય વ્યવહારો માટે દરેક વ્યક્તિ બેન્કિંગ સેવાઓ પર નિર્ભર છે. પરંતુ ઘણી વખત બેન્કોની દાદાગીરી, કર્મચારીઓ દ્વારા અસહકારપૂર્ણ વર્તન, ખાતામાંથી મનસ્વી રીતે ચાર્જ કાપી લેવા કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયા બાદ પણ નાણાં પરત ન મળવા જેવી ગંભીર સમસ્યાઓ ગ્રાહકોને અવારનવાર સતાવે છે. જો તમારી બેન્ક શાખા તમારી રજૂઆત પ્રત્યે દુર્લક્ષ સેવે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. દેશની મધ્યસ્થ બેન્ક 'રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા' (RBI) એ ગ્રાહકોના હિત રક્ષણ માટે એક અત્યંત સરળ અને આસાન સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

રિઝર્વ બેન્કના ખાસ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 14448 પર ફોન કરીને ગ્રાહકો પોતાની સમસ્યાની સીધી ફરિયાદ નોંધાવી શકે છે. આ નંબરની સૌથી મોટી વિશેષતા એ છે કે દેશના નાગરિકો પોતાની સ્થાનિક ભાષામાં વાતચીત કરીને યોગ્ય માર્ગદર્શન અને સહાય મેળવી શકે છે.

આરબીઆઈ ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

બેન્કની બેદરકારી સામે પગલાં લેવા માટે ગ્રાહકોએ આ સરળ પ્રક્રિયા અનુસરવાની રહેશે:


•    પ્રથમ તબક્કો: સૌ પ્રથમ જે-તે બેન્કની સ્થાનિક શાખા અથવા બેન્કના ગ્રાહક સેવા કેન્દ્ર (Customer Care) માં લેખિત અથવા ડિજિટલ માધ્યમથી સત્તાવાર ફરિયાદ નોંધાવો.

•    બીજો તબક્કો: જો બેન્ક તમારી ફરિયાદ મળ્યાના ૩૦ દિવસ ની અંદર કોઈ સંતોષકારક જવાબ કે ઉકેલ ન આપે (અથવા ફરિયાદ ફગાવી દે), તો તમે સીધા આરબીઆઈના 'કસ્ટમર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન સેલ' (CMS) પોર્ટલ પર જઈને ઓનલાઈન ઓમ્બડ્સમેનને ફરિયાદ કરી શકો છો.

કયા-કયા કિસ્સામાં આરબીઆઈમાં કરી શકાય ફરિયાદ?

૧. બેન્ક ખાતામાંથી અનધિકૃત રીતે અથવા યોગ્ય કારણ વગર ચાર્જના નામે નાણાં કાપી લેવામાં આવે ત્યારે.

૨. એટીએમ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય અને ખાતામાંથી કપાયેલી રકમ પરત ન મળે ત્યારે.

૩. લોન પ્રોસેસિંગ, ચેક ક્લિયરિંગ કે નવું એટીએમ કાર્ડ ઈશ્યૂ કરવામાં બેન્ક તરફથી બિનજરૂરી વિલંબ કરવામાં આવે ત્યારે.

૪. પેન્શન, સરકારી યોજનાઓની સબ્સિડી કે વ્યાજની રકમ જમા કરવામાં બેન્ક કર્મચારીઓ આનાકાની કરે ત્યારે.

પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનીને અને આઈબીઆઈની આ મફત સેવાઓનો ઉપયોગ કરીને ગ્રાહકો બેન્કિંગ ક્ષેત્રે થતી મનમાની સામે પોતાનો હક્ક મેળવી શકે છે.

(4:52 PM IST)