તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
"ભારતના સંયમને નબળાઈ ન ગણો!" : 'ઓપરેશન સિંદૂર' પર NSA અજિત ડોભાલની સણસણતી ચેતવણી
પહેલગામ આતંકી હુમલા બાદ સરહદ પાર 88 કલાક ચાલેલા સૈન્ય ઓપરેશનની અંદરની વાત ડિસ્કવરીની ડોક્યુમેન્ટ્રીમાં ખુલી : રાષ્ટ્રીય સુરક્ષા માટે ભારત ગમે તેટલું જોખમ ઉઠાવવા તૈયાર હોવાનો સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ અંગે એક અત્યંત આક્રમક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ડિસ્કવરી ચેનલની એક વિશેષ દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) શ્રેણીમાં 'ઓપરેશન સિંદૂર' વિશે ખુલીને વાત કરતા તેમણે વિશ્વને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારતની ઉદારતા, શાલીનતા અને સંયમને ક્યારેય તેની નબળાઈ સમજવાની ભૂલ ન કરવી. તેમણે ઉમેર્યું કે પોતાના નાગરિકો અને રાષ્ટ્રના રક્ષણ માટે ભારત ગમે તેટલું મોટું જોખમ ઉઠાવવા અને કઠોરમાં કઠોર નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર છે.
પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના જવાબરૂપે ભારતીય સેના દ્વારા 7 મેના રોજ આક્રમક 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું હતું. NSA ડોભાલે ખુલાસો કર્યો કે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી અડ્ડાઓને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હતો. આ ઓપરેશન દરમિયાન બંને દેશો વચ્ચે લગભગ 88 કલાક સુધી આમને-સામને આકરી કાર્યવાહી ચાલી હતી. ભારતીય સેનાના પ્રચંડ પ્રહાર સામે ટકી ન શકતા આખરે 10 મેના રોજ પાકિસ્તાને સામે ચાલીને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવો પડ્યો હતો, જેને ભારતે સ્વીકાર્યો હતો.
આ ગુપ્ત સૈન્ય કાર્યવાહી અને તેની પાછળની વ્યૂહાત્મક રણનીતિ પરથી પડદો ઉચકતી આ ખાસ ડોક્યુમેન્ટ્રી ડિસ્કવરી ચેનલ અને ડિસ્કવરી પ્લસ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવી છે. અજિત ડોભાલે સ્પષ્ટ કર્યું કે ભારતે હવે વિશ્વ સમક્ષ નવી નીતિ સ્પષ્ટ કરી દીધી છે. જો ભારત પર કોઈ આતંકવાદી હુમલો થશે, તો પરિણામોની પરવા કર્યા વિના તેના જ ઘરમાં ઘૂસીને સખત જવાબ આપવામાં આવશે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
