<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

‘પોલીસ કે લાઠીનો ડર રાખશો નહીં’: ૧ નવેમ્બરના દિલ્હી માર્ચમાં જોડાવા રાહુલનું આહ્વાન

રામલીલા મેદાનના કાર્યક્રમમાં તમામ વિચારધારાનાં વિદ્યાર્થી સંગઠનોને આમંત્રણ; લોકશાહી, બંધારણ અને મતાધિકારની રક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી, તા. ૨૯: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા ‘ચલો દિલ્હી’ કાર્યક્રમમાં નાગરિકો અને વિદ્યાર્થી સંગઠનોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. સામાજિક માધ્યમ પર જાહેર કરેલા વિડિયો સંદેશમાં તેમણે પોલીસ કે લાઠીથી ડરવાની જરૂર નથી તેમ કહી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું.

 

રાહુલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ લોકશાહી બચાવવા, કથિત મતચોરી સામે અવાજ ઉઠાવવા અને બંધારણની રક્ષા માટે યોજાઈ રહ્યો છે. તેમણે આ આંદોલનને કોઈ એક પક્ષ પૂરતું મર્યાદિત ગણવાને બદલે દેશના આત્મા સાથે જોડાયેલું ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની કામગીરીથી અસંતુષ્ટ લોકોને પણ તેમણે જોડાવા જણાવ્યું હતું.

 

વિદ્યાર્થીઓને સંબોધતાં રાહુલે તેમની રાજકીય વિચારધારા ગમે તે હોય, પરંતુ અભિવ્યક્તિ, વિચારો અને લોકશાહી અધિકારો પર દબાણ અનુભવતા હોય તો કાર્યક્રમમાં સામેલ થવા કહ્યું હતું. વિપક્ષી ગઠબંધન મતદારયાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવી રહ્યું છે.

 

આ કાર્યક્રમ પહેલાં ૩૦ ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ‘જનમહાભિયોગ’ નામે જાહેર વિરોધ કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં સભા યોજાશે.

(5:38 PM IST)