<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

ઈરાન સાથેની ડીલમાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી મોટી શરતો: ફ્રીઝ થયેલી સંપત્તિ નહીં મળે, લેબનોનમાં યુદ્ધવિરામ નહીં અને યુરેનિયમ સોંપવું પડશે: ટ્રમ્પે ઈરાન સાથેના પ્રસ્તાવિત કરારમાં અત્યંત કડક ફેરફારો સૂચવ્યા છે, જેમાં પરમાણુ સામગ્રી અંગેના નિયમો આકરા બનાવાયા

ઈરાન શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવશે, તેમની પાસે કોઈ જ તાકાત બચી નથી: ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં અમેરિકન પ્રેસિડેન્ટ નવા મિજાજમાં: સમાધાન ફરી ડગમગવા લાગ્યુ: યુદ્ધની ફરી ધમકી આપી

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે ઈરાન સાથેના પ્રસ્તાવિત કરારમાં અત્યંત કડક ફેરફારો સૂચવ્યા છે, જેમાં પરમાણુ સામગ્રી અંગેના નિયમો આકરા બનાવાયા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને તેની કોઈ પણ ફ્રીઝ થયેલી સંપત્તિ પરત અપાશે નહીં અને લેબનોનમાં યુદ્ધવિરામ પણ નહીં થાય. તેમણે દાવો કર્યો છે કે અમેરિકા ઈરાન સામે સંપૂર્ણ વિજય મેળવી રહ્યું છે અને ઈરાન ટૂંક સમયમાં શરણાગતિ સ્વીકારી લેશે.

 

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ અને વાટાઘાટો વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે ઈરાન સામે આક્રમક અને આકરૂં વલણ અપનાવ્યું છે. શુક્રવારે સિચ્યુએશન રૂમમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન, ટ્રમ્પે તેમના દૂતો દ્વારા ઈરાની સમકક્ષો સાથે નક્કી કરાયેલા કરારમાં મોટા સુધારા કરવાની માંગ કરી છે.

 

એક્સિઓસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સુધારાઓ ખાસ કરીને ઈરાનની પરમાણુ સામગ્રીને લગતા મુદ્દાઓને વધુ કડક બનાવવા પર કેન્દ્રિત છે.

 

નવી દરખાસ્તમાં ઈરાન માટે અત્યંત આકરી શરતો મૂકવામાં આવી છે. આ શરતો મુજબ ઈરાનને તેની ફ્રીઝ કરાયેલી (સ્થગિત કરાયેલી) કોઈ પણ સંપત્તિ પાછી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, લેબનોનમાં કોઈ પણ પ્રકારનો યુદ્ધવિરામ થશે નહીં, અને ઈરાને પોતાનું સંવર્ધિત યુરેનિયમ ફરજિયાતપણે ટ્રાન્સફર કરવું પડશે તેવી દ્રઢ પ્રતિબદ્ધતા અમેરિકા દ્વારા માંગવામાં આવી છે.

 

બીજી તરફ, ફોક્સ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત આત્મવિશ્વાસ સાથે હુંકાર કરતા જણાવ્યું હતું કે, "અમે ઈરાનમાં જીતી રહ્યા છીએ. અમે સંપૂર્ણ અને પૂરેપૂરો વિજય મેળવ્યો છે. ઈરાન ટૂંક સમયમાં જ શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવશે."

 

ટ્રમ્પે ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે કટાક્ષ કરતા અને તેની નબળાઈ છતી કરતા કહ્યું કે, "ઈરાન અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તેમની પાસે કોઈ વાયુસેના નથી, કોઈ નૌકાદળ નથી, કશું જ બચ્યું નથી. તેમની પાસે માત્ર વાતો અને ખોટા સમાચાર જ છે."

 

ટ્રમ્પે પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા અંતમાં જણાવ્યું હતું કે, "અમે ઈરાન પાસેથી જે ઈચ્છીએ છીએ તે ધીમે ધીમે અને મક્કમતાથી મેળવીશું. મને કોઈ જ ઉતાવળ નથી. ઈરાનીઓ ખૂબ જ કુશળ વાટાઘાટકારો છે, અને આ પ્રક્રિયામાં સમય લાગશે. પરંતુ જો તેઓ કરાર નહીં કરે, તો અમે આ સંઘર્ષનો સંપૂર્ણપણે અલગ રીતે અને આકરો અંત લાવીશું." 

(10:48 AM IST)