News of Sunday, 23rd August 2026
શેરબજારમાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી હલચલ: જૂનમાં ૧૦૦૦થી વધુ ટ્રેડિંગ સોદા કર્યા, કરોડો ડોલરના ખરીદ-વેચાણથી વૈશ્વિક રોકાણકારો ચોંકી ઉઠ્યા
બર્કશાયર હેથવે, વિઝા, માસ્ટરકાર્ડ અને પેલાન્ટિરમાં મોટા પાયે ફંડનું રોટેશન; વાઈટ હાઉસે હિતોના ટકરાવના આક્ષેપો ફગાવતા જણાવ્યું કે તમામ રોકાણો બ્લાઇન્ડ ટ્રસ્ટ અને સ્વતંત્ર મેનેજરો દ્વારા સંચાલિત છે.

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત રોકાણો અને શેરબજારની પ્રવૃત્તિઓને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. યુએસ ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સ (US Office of Government Ethics) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નાણાકીય ડિસ્ક્લોઝર મુજબ, જૂન મહિના દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પોર્ટફોલિયોમાંથી ૧,૦૦૦થી વધુ સિક્યોરિટીઝ ટ્રેડ્સ (શેરબજારના સોદા) કરવામાં આવ્યા છે. આ સોદાઓનું કુલ મૂલ્ય ૭.૮૧ કરોડ ડોલરથી લઈને ૨૬.૩૧ કરોડ ડોલર (અંદાજે રૂ. ૬૫૦ કરોડથી રૂ. ૨,૨૦૦ કરોડ) વચ્ચે હોવાનું અનુમાન છે.
મોટા ફંડ્સ અને મુખ્ય શેરોમાં રોટેશન
ડિસ્ક્લોઝર રિપોર્ટ અનુસાર, જૂન મહિનામાં ટ્રમ્પના પોર્ટફોલિયોમાંથી વિગતો અનુસાર વાનગાર્ડ ગ્રુપ (Vanguard Group)ના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં મોટી વેચવાલી જોવા મળી હતી, જેમાં જૂન ૨૨ના રોજ ૫૦ લાખથી ૨.૫ કરોડ ડોલર સુધીના શેર વેચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વોરેન બફેટની જાણીતી કંપની બર્કશાયર હેથવે (Berkshire Hathaway Inc), વિઝા (Visa Inc), માસ્ટરકાર્ડ (Mastercard Inc) અને સિન્ટાસ કોર્પોરેશન (Cintas Corp) જેવી દિગ્ગજ કંપનીઓમાં કરોડો ડોલરનું નવું રોકાણ કરવામાં આવ્યું છે.
ટેક અને સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં અસ્થિરતા
સોફ્ટવેર અને ડેટા એનાલિટિક્સ કંપની પેલાન્ટિર (Palantir)ના શેરોમાં પણ નોંધપાત્ર ખરીદ-વેચાણ નોંધાયું છે. જૂન ૩ના રોજ પેલાન્ટિરમાં નાની રકમની ખરીદી કર્યા બાદ જૂન ૧૬ અને ૧૮ દરમિયાન લાખો ડોલરના શેરોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ સિવાય મેટા (Meta), કોઈનબેઝ (Coinbase), હોમ ડેપો (Home Depot), ફિડેલિટિ નેશનલ અને લિંક્ડઆઈન-સંબંધિત ક્ષેત્રોમાં પણ ખરીદી અને વેચવાલીના ટ્રેડિંગ ઓર્ડર જોવા મળ્યા હતા.
જીઓપોલિટિકલ ઘટનાઓ અને ટ્રેડિંગ ટાઈમિંગ
અહેવાલો અનુસાર, મધ્ય પૂર્વમાં શાંતિ વાટાઘાટો અને જીઓપોલિટિકલ હિલચાલ દરમિયાન પણ ટ્રમ્પના પોર્ટફોલિયોમાં સક્રિય ખરીદી કરવામાં આવી હતી. ખાસ કરીને જૂન મધ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા મહત્વના ઘટોનાક્રમો બાદ ૨૩ અને ૨૪ જૂને ફરી નવા શેરોમાં રોકાણ ઉમેરવામાં આવ્યું હતું. નાણાકીય નિષ્ણાતોના મતે, આ ટ્રેડિંગ પેટર્ન દર્શાવે છે કે માર્કેટ ઈન્ડેક્સ (જેમ કે Schwab 1000)ને ફોલો કરતા કોમ્પ્યુટરાઈઝડ મોડેલ પોર્ટફોલિયો દ્વારા સ્વચાલિત રીતે આ ફેરફારો થઈ રહ્યા છે.
હિતોના ટકરાવ (Conflict of Interest) પર વાઈટ હાઉસની સ્પષ્ટતા
અમેરિકી પ્રમુખ તરીકે નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા ધરાવતી વ્યક્તિ દ્વારા શેરબજારમાં આટલા મોટા પ્રમાણમાં સોદા થવા અંગે વિપક્ષો અને એથિક્સ વોચડોગ્સ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, વાઈટ હાઉસના પ્રવક્તાએ આ તમામ આરોપોને ફગાવી દેતા સ્પષ્ટતા કરી છે કે આ રોકાણોમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે હિતોનો ટકરાવ નથી.
વાઈટ હાઉસના જણાવ્યા મુજબ:
૧. ટ્રમ્પના તમામ નાણાકીય એસેટ્સ એક સ્વતંત્ર 'બ્લાઈન્ડ ટ્રસ્ટ' (Blind Trust) હેઠળ રાખવામાં આવ્યા છે, જેનું સંચાલન એરિક ટ્રમ્પ અને તૃતીય પક્ષના એસેટ મેનેજરો કરે છે.
૨. તમામ નિર્ણયો કમ્પ્યુટર-આધારિત મોડેલ પોર્ટફોલિયો અને સ્વતંત્ર ફંડ મેનેજરો દ્વારા લેવાય છે.
૩. પ્રમુખ ટ્રમ્પ કે તેમના પરિવારના કોઈ પણ સભ્ય પાસે કયો શેર ક્યારે ખરીદવો કે વેચવો તે અંગે કોઈ સૂચના આપવાની કે હસ્તક્ષેપ કરવાની સત્તા નથી.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
