News of Friday, 8th May 2026
ડોનાલ્ડ ટ્રમ્પનો પિત્તો ગયો: મહિલા પત્રકારના સવાલ પર ભડકેલા અમેરિકી રાષ્ટ્રપતિએ જાહેરમાં અપમાન કર્યું, 'હોરર શો' અને 'બદતમીઝ' જેવા શબ્દોનો ઉપયોગ કરતા વિવાદ
રિફ્લેક્ટિંગ પૂલના રિનોવેશન પ્રોજેક્ટ દરમિયાન હંગામો: ઈરાન સાથેના યુદ્ધ અને મોંઘા પેટ્રોલ વચ્ચે સવાલ પૂછવો પત્રકારને ભારે પડ્યો, ટ્રમ્પ 'હોટ માઈક' પર અપશબ્દ બોલ્યા હોવાનો દાવો

વોશિંગ્ટન ડી.સી.: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ગુરુવારે વોશિંગ્ટન ડી.સી.માં લિંકન મેમોરિયલ રિફ્લેક્ટિંગ પૂલના રિનોવેશન પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને પત્રકારો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. ABC ન્યૂઝની સિનિયર પોલિટિકલ કોરસ્પોન્ડન્ટ રેશેલ સ્કોટે જ્યારે ટ્રમ્પને દેશની આર્થિક સ્થિતિ અને વિદેશી સંકટો વચ્ચે આ પ્રોજેક્ટના ટાઈમિંગ અંગે સવાલ કર્યો, ત્યારે ટ્રમ્પ જાહેરમાં ઉશ્કેરાઈ ગયા હતા.
રેશેલ સ્કોટે સવાલ પૂછ્યો હતો કે, "મિસ્ટર પ્રેસિડેન્ટ, એક તરફ ઈરાન સાથે યુદ્ધની સ્થિતિ છે અને દેશમાં ગેસના ભાવ આસમાને છે, ત્યારે તમે અત્યારે આ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેમ આપી રહ્યા છો?" આ સવાલ સાંભળતા જ 79 વર્ષીય ટ્રમ્પે પત્રકારને વચ્ચે જ અટકાવીને કહ્યું, "આ કેટલો મૂર્ખામીભર્યો સવાલ છે! હું મારા દેશને સુંદર અને સુરક્ષિત રાખવા માંગુ છું. તમે કદાચ ગંદકી સમજી શકો છો, પણ હું તેને સહન નથી કરતો." ટ્રમ્પે ત્યાં કામ કરી રહેલા કામદારો સામે પત્રકાર તરફ ઈશારો કરતા તેને 'હોરર શો' અને 'ફેક ન્યૂઝ' ગણાવી હતી.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે રિફ્લેક્ટિંગ પૂલમાંથી ૧૧ થી ૧૨ ટ્રક જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો છે. તેમણે આ વિસ્તારની સફાઈ માટે નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કર્યા હોવાની વાત પણ કરી હતી. જોકે, વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ટ્રમ્પ પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રેશેલ સ્કોર તરફ જોઈને કંઈક ગણગણાટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ઓબ્ઝર્વર્સના મતે ટ્રમ્પે પત્રકાર માટે અત્યંત અપમાનજનક શબ્દ 'બિચ' (Bch) નો પ્રયોગ કર્યો હોવાની આશંકા છે.
રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે અંદાજે ૨ મિલિયન ડોલરના ખર્ચે આ પૂલનું સમારકામ કરવામાં આવશે અને તેની સપાટીને 'અમેરિકન ફ્લેગ બ્લુ' કલર આપવામાં આવશે. એક તરફ ટ્રમ્પ આ પ્રોજેક્ટને દેશની મહાનતા સાથે જોડી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહિલા પત્રકાર સાથેના તેમના અશોભનીય વર્તનને કારણે અમેરિકામાં રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષો આ ઘટનાને પત્રકારત્વ અને મહિલાઓના સન્માન પર હુમલો ગણાવી રહ્યા છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
