News of Sunday, 3rd May 2026
ઈરાન 'ગેરવર્તણૂક' કરશે તો ફરી સૈન્ય હુમલા કરાશે : ડોનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ગંભીર ચેતવણી
ઈરાન દ્વારા મોકલાયેલા ૧૪ મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર ટ્રમ્પે અસંતોષ વ્યક્ત કર્યો : છેલ્લા ૪૭ વર્ષના કૃત્યો માટે ઈરાને હજુ મોટી કિંમત ચૂકવવી પડશે - પરમાણુ કાર્યક્રમ છોડવો જ પડશે તેવો સ્પષ્ટ નિર્દેશ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ આકરા વલણનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, જો આ ઈસ્લામિક રાષ્ટ્ર 'ગેરવર્તણૂક' કરશે તો અમેરિકા ફરી એકવાર તેના પર સૈન્ય હુમલા કરી શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈરાન દ્વારા મોકલવામાં આવેલા ૧૪ મુદ્દાના શાંતિ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા છે, પરંતુ તે સ્વીકાર્ય હોય તેવું તેમને હાલ જણાતું નથી.
સાઉથ ફ્લોરિડામાં એરફોર્સ વન પર સવાર થતા પહેલા પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો ઈરાન કંઈ પણ ખરાબ કરશે તો સૈન્ય કાર્યવાહીની શક્યતા ચોક્કસપણે નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પે ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર સૈન્ય હુમલો કર્યો હતો. અમેરિકા હજુ પણ ઈરાનની મિસાઈલ ઉત્પાદન ક્ષમતાઓને સંપૂર્ણપણે ખતમ કરવા ઈચ્છે છે.
નેતૃત્વ અંગે ટ્રમ્પનો કટાક્ષ:
ટ્રમ્પે ઈરાનની વર્તમાન સ્થિતિ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "ઈરાન અત્યારે સોદો કરવા માંગે છે કારણ કે તેઓ પાયમાલ થઈ ગયા છે. તેમને એ સમજવામાં પણ મુશ્કેલી પડી રહી છે કે તેમનો નેતા કોણ છે, કારણ કે તેમનો નેતા હવે રહ્યો નથી." ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ઈરાને છેલ્લા ૪૭ વર્ષોમાં માનવતા અને વિશ્વને જે નુકસાન પહોંચાડ્યું છે, તેના માટે તેમણે હજુ પૂરતી કિંમત ચૂકવી નથી.
પરમાણુ હથિયારો અને ટ્રેડ રૂટ પર ખેંચતાણ:
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાના ૯ મુદ્દાના પ્રસ્તાવના જવાબમાં ૧૪ મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે, ટ્રમ્પ પોતાની માંગણીઓ પર મક્કમ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ત્યજી દે અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ને ફરીથી ખોલી દે, જ્યાંથી વિશ્વના તેલ અને પ્રાકૃતિક ગેસના વેપારનો પાંચમો ભાગ પસાર થાય છે.
ટ્રમ્પે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જો ઈરાન પાસે પરમાણુ હથિયારો આવશે તો તે ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને યુરોપ માટે ખતરો બની જશે. તેમણે ઈરાની નેતૃત્વને 'લુનેટિક્સ' (ઉન્મત્ત) ગણાવીને તમામ અગાઉના પ્રસ્તાવોને ફગાવી દીધા છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ભારે અનિશ્ચિતતા અને તણાવ પ્રવર્તી રહ્યો છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
