<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

​ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટેલિજન્સ ચીફ જે ક્લેટનને બનાવ્યા નવા 'AI ઝાર' (Czar); સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના

​૧૨૦ દિવસમાં AI સંબંધિત જોખમો, તકો અને સરકારી સુરક્ષા સિસ્ટમ્સની સમીક્ષા કરી રિપોર્ટ સોંપવા ટ્રમ્પનો આદેશ; કન્ડેલિઝા રાઇસ અને ડેવિડ સેક્સ સલાહકાર સમિતિમાં સામેલ

​વોશિંગ્ટન:અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નીતિઓ અને ટેકનોલોજીકલ સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રમ્પે દેશના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) જે ક્લેટન (Jay Clayton)ને વ્હાઇટ હાઉસના નવા 'AI ઝાર' (AI Czar) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ, AI ક્ષેત્રની દેખરેખ અને તેનાથી ઉદ્ભવતા જોખમો સામે રક્ષણ મેળવવા માટે તેમની આગેવાની હેઠળ એક ખાસ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે.

​૧૨૦ દિવસમાં સોંપવાનો રહેશે વિસ્તૃત રિપોર્ટ
​'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, જે ક્લેટનની આગેવાની હેઠળની આ ટાસ્ક ફોર્સ ("સાઇબર અને AI સુપર ઇન્ટેલિજન્સ ફોર્સ") ને ૧૨૦ દિવસની અંદર એક વિસ્તૃત સમીક્ષા રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થતા ફાયદાઓ, સંભવિત સુરક્ષા જોખમો, સાઇબર હેકિંગથી થતા નુકસાન અને સરકારી આઇટી સિસ્ટમ્સમાં રહેલી ક્ષતિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

​રાષ્ટ્રીય સુરક્ષા અને સાઇબર ડિફેન્સ પર મુખ્ય ફોકસ
​જે ક્લેટન પોતાની નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તરીકેની જવાબદારીઓ સંભાળવાની સાથે સાથે જ આ નવા પદનો ચાર્જ પણ સાંભળશે. તાજેતરમાં ચાઇના સમર્થિત સાઇબર હુમલા અને વૈશ્વિક સ્તરે વધતા ડિજિટલ ખતરાઓને ધ્યાનમાં રાખીને, અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓ અને સાર્વજનિક ક્ષેત્રોમાં AI ટેકનોલોજીનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું એ ક્લેટનની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

​દિગ્ગજ નિષ્ણાતોની સલાહકાર પેનલ
​આ વિશેષ ટાસ્ક ફોર્સને મદદ કરવા માટે વિદેશી નીતિ અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓની એક સલાહકાર સમિતિ પણ બનાવવામાં આવી છે, જેમાં પૂર્વ વિદેશ મંત્રી કન્ડેલિઝા રાઇસ (Condoleezza Rice) અને જાણીતા ટેક રોકાણકાર ડેવિડ સેક્સ (David Sacks) જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે.

​ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પ્રમુખ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે દેશની અગ્રણી AI કંપનીઓના સીઇઓ (CEOs) સાથે મુલાકાત કરી હતી, જેમાં કંપનીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે સેફ્ટી કંટ્રોલ અને ઓડિટ નીતિઓ અપનાવવા પર સહમતિ બની હતી. હવે જે ક્લેટનની આ પદ પર નિયુક્તિથી અમેરિકાની AI નીતિઓને નવી દિશા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.

(12:43 PM IST)