News of Tuesday, 15th September 2026
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં રશિયાનું મોટું કનેક્શન! પુતિનના ખાસ જોડાણ ધરાવતા ઉમર ક્રેમલેવે ઉઠાવ્યો કરોડોનો ખર્ચ, પુત્રવધૂ બેટ્ટીનાએ કરી પુષ્ટિ
બહામાસમાં યોજાયેલા ત્રણ દિવસીય રોયલ મેરેજ ફંક્શનમાં ખાનગી ટાપુથી લઈને ૫ માળની કેક માટે લાખો ડોલર ચૂકવાયા; વિવાદ વધતા બેટ્ટીનાએ કહ્યું: "દરેક ઉદારતા પાછળ છુપો એજન્ડા નથી હોતો"

વોશિંગ્ટન, તા.૧૫: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના તાજેતરમાં યોજાયેલા હાઈ-પ્રોફાઈલ લગ્ન ફરી એકવાર વિવાદો અને આંતરરાષ્ટ્રીય હેડલાઈન્સમાં આવી ગયા છે. ટ્રમ્પ પરિવારની નવી પુત્રવધૂ બેટ્ટીના એન્ડરસન ટ્રમ્પે જ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પુષ્ટિ કરી છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના સાથી અને ઉદ્યોગપતિ ઉમર ક્રેમલેવે બહામાસ ખાતે યોજાયેલા તેમના લગ્ન પછીના ભવ્ય વીકેન્ડ ફંક્શનનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ અમેરિકી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
એક તહોમતનામા અનુસાર, મે મહિનામાં બહામાસના એક પ્રાઈવેટ આઈલેન્ડ પર ત્રણ દિવસ સુધી ચાલેલા આ શાહી લગ્ન સમારોહમાં લાખો ડોલરનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જેમાં ફ્લોરિડાથી ખાસ મંગાવવામાં આવેલી ૫ માળની 'ફનફેટી કેક', આતશબાજી, અને આખા ટાપુના ભાડા સહિતનો તમામ મોટો ખર્ચ ઉમર ક્રેમલેવે ચૂકવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ નાણાકીય વ્યવહારો દુબઈ સ્થિત 'ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન' સાથે જોડાયેલી સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા. આ સંસ્થાનું નેતૃત્વ ક્રેમલેવ કરે છે અને તેને રશિયન સરકારી ઊર્જા કંપની 'ગેઝપ્રોમ' (Gazprom) તરફથી જંગી આર્થિક મદદ મળે છે.
બીજી તરફ, લગ્નના ખર્ચ અને રશિયન કનેક્શન અંગે વિવાદ ઘેરો બનતાં બેટ્ટીના ટ્રમ્પે ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે પોતાના લગ્નની તસવીરો શેર કરતા લખ્યું કે, "અમારા લગ્ન ફરીથી ચર્ચામાં આવ્યા છે તેથી સ્પષ્ટતા જરૂરી છે. ક્યારેક લોકો પ્રેમ અને મિત્રતામાં પણ મદદ કરતા હોય છે, દરેક ઉદારતા પાછળ કોઈ છુપો એજન્ડા નથી હોતો." તેમણે ઉમેર્યું હતું કે મૂળ પ્લાન બદલાતાં તેમણે વહેલા લગ્ન કરી લીધા હતા અને તેમના પરમ મિત્ર ઓમરે (ઉમર ક્રેમલેવ) ઉદારતા દાખવીને આ ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. જોકે, ટ્રમ્પ પરિવાર અને રશિયન કનેક્શનના આ સમાચારથી વૈશ્વિક મીડિયામાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
