News of Sunday, 6th September 2026
ડોમિનિકન રિપબ્લિકની જોહેઇરી મોલા ડોમિંગુએઝે વિયેતનામમાં જીત્યો મિસ વર્લ્ડ 2026 નો ગૌરવવંતો ખિતાબ
માત્ર 24 વર્ષની વયે શિક્ષિકા, પત્રકાર અને સમાજસેવિકા તરીકે ખ્યાતિ મેળવનાર જોહેઇરી મોલા ડોમિંગુએઝે વૈશ્વિક મંચ પર મિસ વર્લ્ડ 2026 નું તાજ પોતાના શિરે ધારણ કર્યું છે.

અમદાવાદ : ડોમિનિકન રિપબ્લિકની પ્રભાવશાળી યુવતી જોહેઇરી મોલા ડોમિંગુએઝને વિયેતનામ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મિસ વર્લ્ડ 2026 ના મુકુટથી નવાજવામાં આવી છે. સાંતો ડોમિંગો શહેરમાં જન્મેલી અને ઉછરેલી 24 વર્ષીય જોહેઇરીએ પોતાની સુંદરતાની સાથેસાથે બુદ્ધિમત્તા, સામાજિક કાર્યો અને બહુમુખી પ્રતિભાના બળે આ વૈશ્વિક ઉપલબ્ધિ મેળવી છે. મોડેલિંગની સીમાઓથી આગળ વધીને તેણે શિક્ષણ અને પત્રકારત્વના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, જેના કારણે આજે આખી દુનિયા તેના કાર્યોની પ્રશંસા કરી રહી છે.
જોહેઇરીની શૈક્ષણિક સફર પર નજર કરીએ તો તેણે યુનિવર્સિડાડ ઇબેરોઅમેરિકનામાંથી બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તે વ્યવસાયે એક શિક્ષિકા છે અને બાળકોને અંગ્રેજી ભાષામાં સાહિત્ય તથા સામાજિક અભ્યાસ ભણાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી વિકસાવવાનો અને તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવાનો છે. શિક્ષણ પ્રત્યેના તેના અનહદ પ્રેમ અને સમર્પણને કારણે તેણે 'વોઇસિસ ઓફ ટુમોરો' નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સામાજિક પહેલ દ્વારા તે નબળા અને વંચિત વર્ગોના બાળકોને ગુણવત્તાસભર અંગ્રેજી શિક્ષણ અને નવી તકો પૂરી પાડવા માટે સતત કાર્યરત છે.
શિક્ષણ ઉપરાંત જોહેઇરીએ પત્રકારત્વ અને ટેલિવિઝન જગતમાં પણ પોતાની પ્રતિભાના ઝાંખા દર્શન કરાવ્યા છે. તેણે યુનિવિઝન ન્યુયોર્કના લોકપ્રિય કાર્યક્રમ 'વેન્ટાના એ ક્વિસ્કુયા'માં સંવાદદાતા તરીકે કામ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા તેણે ડોમિનિકન સંસ્કૃતિ, સ્થાનિક સમુદાયની વાતો અને મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને ખૂબ જ સચોટ રીતે લોકો સમક્ષ રજૂ કર્યા છે. તે વર્ષ 2026 ના મે મહિનામાં ડોમિનિકન રિપબ્લિકમાં યુનિસેફના એક ટેલિવિઝન અભિયાનમાં રિપોર્ટિંગ કોરેસ્પોન્ડન્ટ તરીકે જોડાઈ હતી. આ ઉપરાંત, માર્ચ 2026 માં તેણે દેશના સૌથી મોટા મનોરંજન સમારોહ 'પ્રેમિયસ સોબેરાનો' દરમિયાન યુનિવિઝન માટે લાઈવ રિપોર્ટરની ભૂમિકા પણ ભજવી હતી.
મિસ વર્લ્ડ 2026 નો ખિતાબ જીત્યા બાદ જોહેઇરી મોલા ડોમિંગુએઝનું જીવન વૈશ્વિક સ્તરે વધુ એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તે માત્ર એક સુંદરતા સ્પર્ધાની વિજેતા નથી પરંતુ યુવાનો માટે પ્રેરણારૂપ રોલ મોડેલ પણ છે. તેની આ સફર સાબિત કરે છે કે સખત મહેનત, સામાજિક કલ્યાણની ભાવના અને દ્રઢ નિશ્ચય સાથે કોઈપણ વ્યક્તિ દુનિયામાં બદલાવ લાવી શકે છે. વિયેતનામની ધરતી પરથી શરૂ થયેલી આ જીત તેની ભવિષ્યની સામાજિક અને વ્યાવસાયિક સફરને વધુ પ્રભાવશાળી બનાવશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
