News of Thursday, 3rd September 2026
ડોલરનું સામ્રાજ્ય ખતરામાં! ભારત અને રશિયાએ શોધી કાઢ્યો માર્ગ, ૯૬ ટકા વેપાર હવે સીધો 'રૂપિયા અને રૂબલ'માં!
અમેરિકાના ભારે દબાણ વચ્ચે બંને દેશોએ પેમેન્ટ સિસ્ટમ મજબૂત કરી: સ્બેરબેંકના વડાએ કહ્યું - "હવે ટ્રેડ સેટલમેન્ટમાં કોઈ મુશ્કેલી નથી"

નવી દિલ્હી | તા.૦૩: અમેરિકા દ્વારા રશિયા સાથેનો વેપાર ઘટાડવા માટે ભારત પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભારતે દેશહિતને પ્રાધાન્ય આપતાં રશિયા સાથેના વેપાર સંબંધોને વધુ મજબૂત અને સ્વતંત્ર બનાવી દીધા છે. ભારત અને રશિયાએ અમેરિકી ડોલર (USD) પરની પોતાની નિર્ભરતામાં મોટો કાપ મૂકતાં સ્થાનિક કરન્સીમાં વેપાર કરવાનો નવો ઇતિહાસ રચ્યો છે. હવે બંને દેશો વચ્ચે થતો આશરે ૯૬ ટકા જેટલો જંગી ટ્રેડ માત્ર ભારતીય રૂપિયા અને રશિયન રૂબલમાં જ સેટલ થઈ રહ્યો છે.
રશિયાની સૌથી મોટી અને અગ્રણી બેંક સ્બેરબેંક (Sberbank) ના ભારતમાં વડા ઈવાન નોસોવે આ અંગે મહત્વની જાણકારી આપતાં જણાવ્યું કે, રશિયા અને ભારત વચ્ચે પેમેન્ટ સેટલમેન્ટ માટે એક અત્યંત સક્ષમ અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી લેવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમને કારણે હવે બંને દેશો વચ્ચેના નાણાકીય લેવડ-દેવડમાં જે પાયાના પડકારો હતા તે સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે.
આ વિશાળ ટ્રેડિંગ મિકેનિઝમને સુચારૂ રીતે ચલાવવા માટે બંને દેશોનું બેંકિંગ ક્ષેત્ર પણ એકજૂથ થયું છે. હાલમાં રશિયાની ૨૨ અને ભારતની ૧૭ પ્રમુખ બેંકો સાથે મળીને આ સ્થાનિક કરન્સી ટ્રાન્સફર મિકેનિઝમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમ વિકસાવવામાં Sberbank એ મુખ્ય ભૂમિકા ભજવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સ્થાનિક ચલણમાં વેપાર શરૂ કરતી વખતે રશિયા તરફથી ભારતીય રૂપિયો સંપૂર્ણ કન્વર્ટીબલ કરન્સી ન હોવાને કારણે 'રૂપિયા ઓવરહેંગ' (રૂપિયાનો ભરાવો) થવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ બંને દેશોની નાણાકીય સંસ્થાઓએ સાથે મળીને નવી મિકેનિઝમ બનાવી આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે, જે વૈશ્વિક સ્તરે 'ડી-ડોલરાઈઝેશન' (ડોલર મુક્ત વેપાર) તરફ એક મોટું કદમ માનવામાં આવે છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
