તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
દીપેન્દ્ર ગોયલના રૂ.૮૫,૦૦૦ના ટેમ્પલ વેરેબલ ડિવાઇસ સામે ડોક્ટરોના સવાલો, મેડિકલ દાવાઓ અને કિંમત અંગે મોટો વિવાદ
મગજના રક્ત પ્રવાહના માપનની વૈજ્ઞાનિક માન્યતા સામે તબીબોની શંકા વચ્ચે ગોયલે કહ્યું કે આ ફિટનેસ અને AI પ્રોડક્ટ છે, કોઈ તબીબી ઉપકરણ નથી

નવી દિલ્હી : જોમાટો અને ઈટરનલના સ્થાપક દીપેન્દ્ર ગોયલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા રૂ.૮૫,૦૦૦ના સ્માર્ટ પહેરી શકાય તેવા ઉપકરણ 'ટેમ્પલ' (Temple) સામે દેશના જાણીતા ડોક્ટરો અને તબીબી નિષ્ણાતો દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા મોટો વૈજ્ઞાનિક વિવાદ સર્જાયો છે. ઉપકરણ દ્વારા મગજના રક્ત પ્રવાહ (Brain Blood Flow) અને અન્ય શારીરિક માપદંડોની ચોકસાઈ સામે ચિંતા વ્યક્ત થયા બાદ દીપેન્દ્ર ગોયલે બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે ટેમ્પલ એ સખત રીતે એક ફિટનેસ + AI પ્રોડક્ટ છે અને તે કોઈ તબીબી ઉપકરણ કે કોઈ રોગના નિદાન અથવા સારવાર માટેનો દાવો કરતું નથી.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે હૈદરાબાદની એપોલો હોસ્પિટલ્સના સિનિયર ન્યુરોલોજીસ્ટ સુધીર કુમાર, હૃદય નિષ્ણાત ડો. ઝુબિન શર્મા અને ડો. વરુણ ચેરુપરમથ સહિતના ડોક્ટરોએ સોશિયલ મીડિયા પર આ ડિવાઇસના દાવાઓની ટીકા કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઉપકરણના લાઈટ-આધારિત સેન્સર ખોપરી ઉપરની ચામડી (Scalp) ના રક્ત પરિભ્રમણને માપે છે, જેને મગજની અંદરની ધમનીઓના રક્ત પ્રવાહનું સચોટ માપન ગણી શકાય નહીં. તેમણે ચેતવણી આપી હતી કે વપરાશકર્તાઓએ આ રિપોર્ટના આધારે પોતાના મગજની સ્વાસ્થ્ય સ્થિતિ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું માનવાની ભૂલ ન કરવી જોઈએ.
વૈજ્ઞાનિક ટીકાઓનો જવાબ આપતા દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે કંપની આંતરિક અભ્યાસ અને પ્રી-પ્રિન્ટ્સ તૈયાર કરી રહી છે તથા ટૂંક સમયમાં જ પીઅર-રિવ્યૂ અને સ્વતંત્ર તપાસ પૂરી કરવામાં આવરૂ.શે. ભારે ટીકા પામેલી રૂ.૮૫,૦૦૦ની કિંમત અંગે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોડક્ટ વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે અને તેમને ભારતમાં તેના કુલ વેચાણના ૧ ટકાથી વધુ હિસ્સાની અપેક્ષા નથી. વધુમાં, ગ્રાહકોના વિશ્વાસ માટે ૧૪ દિવસની 'નો-ક્વેશ્ચન્સ-આસ્ક્ડ' રીટર્ન પોલિસી પણ રાખવામાં આવી છે.
હાલમાં 'ટેમ્પલ' ડિવાઇસના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને આગામી ત્રણ મહિનામાં તેની ડિલિવરી શરૂ થાય તેવી સંભાવના છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ ચર્ચા વચ્ચે હવે લાયક સંશોધકો અને તબીબી સંસ્થાઓ દ્વારા આ ઉપકરણના ડેટા અને સેન્સર્સની સ્વતંત્ર ચકાસણી કરવામાં આવશે, જે બાદ જ આ રૂ.૮૫,૦૦૦ના હાઈ-ટેક ફિટનેસ વેરેબલની વાસ્તવિક ચોકસાઈ અને તેની ઉપયોગિતા અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
