તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
દિલ્હીમાં ડૉક્ટરનો લોહિયાળ ખેલ: 'કોને મારું? પત્નીને કે દીકરાને?' એમ વિચારીને 15 વર્ષથી સેવા કરનાર નોકરાણીનું ગળું કાપી નાખ્યું!
'મેં સમસ્યાનું મૂળ જ કાઢી નાખ્યું', કહીને હત્યારા ડૉક્ટરે પોલીસ સામે કર્યું આત્મસમર્પણ; 10 વર્ષથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યા હતા ત્વચારોગ વિજ્ઞાની

નવી દિલ્હી, તા. 18 જૂન 2026: દક્ષિણ દિલ્હીના પ્રતિષ્ઠિત માઉન્ટ કૈલાશ કોલોની વિસ્તારમાં ગુરુવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક જાણીતા ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) ડૉ. મનીષ ગુપ્તાએ પોતાની ઘરે કામ કરતી 45 વર્ષીય મીના હલદરની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. 15 વર્ષ સુધી જે નોકરાણીએ પરિવારના સભ્યોની જેમ સેવા કરી, તે જ નોકરાણીનું ડૉક્ટરે બેઝબોલ બેટથી હુમલો કરીને અને ત્યારબાદ છરી વડે ગળું કાપીને લોહીમાં નવડાવી દીધી હતી.
'હું કોને મારું?' - મનમાં ચાલતા ઘર્ષણનો ભોગ બની નિર્દોષ મીના
ઘટના અંગે મળેલી ચોંકાવનારી વિગતો મુજબ, ડૉ. ગુપ્તા મીનાને નોકરીમાંથી કાઢી મૂકવા માંગતા હતા કારણ કે તેમને લાગતું હતું કે તેના કારણે ઘરમાં નકારાત્મકતા ફેલાઈ રહી છે. બીજી તરફ, તેમની પત્ની મીનાને ઘરમાં જ રાખવા માંગતી હતી, જે ડૉક્ટરના ગુસ્સાનું મુખ્ય કારણ હતું. ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં આરોપી ડૉક્ટરે જે કબૂલાત કરી તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે કહ્યું, "હું સતત વિચારતો હતો કે કોને મારી નાખું? મારી પત્નીને, મારા પુત્રને કે પછી મારી જાતને? અંતે મેં સમસ્યાનું મૂળ જ કાઢી નાખ્યું અને મીનાની હત્યા કરી દીધી."
સવારનો સામાન્ય દિવસ બની ગયો લોહિયાળ
મીના હંમેશની જેમ સવારે 10:30 વાગ્યે કામ કરવા આવી હતી. કપડાં ધોયા બાદ તે ટેરેસ પર કપડાં સૂકવવા ગઈ હતી, જ્યાં ડૉ. ગુપ્તાએ તેના પર પૂર્વ આયોજિત હુમલો કર્યો. પહેલા તેમણે પોતાના પુત્રના બેટ વડે મીનાના માથા અને ચહેરા પર અનેક વાર કર્યા અને જ્યારે તે અશક્ત થઈ ગઈ, ત્યારે રસોડાની છરીથી તેનું ગળું કાપી નાખ્યું. પાડોશીઓએ લોહીલુહાણ હાલતમાં મીનાને જોઈને પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ પહોંચી, ત્યારે આરોપી ડૉક્ટર શાંતિથી સીડી પર બેઠો હતો અને પોલીસને જોઈને કહ્યું હતું, "મને ફાંસી આપી દો!"
10 વર્ષથી હતા ડિપ્રેશન અને OCD ના દર્દી
તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. મનીષ ગુપ્તા છેલ્લા એક દાયકાથી ડિપ્રેશન અને ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) જેવી ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે શું ડૉક્ટરે નિયમિતપણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમની માનસિક સ્થિતિ આટલી હદે વણસી ગઈ.
પરિવાર માટે કોઈ આશીર્વાદથી ઓછી નહોતી મીના
મૃતક મીના પશ્ચિમ બંગાળની હતી અને છેલ્લા 15 વર્ષથી ગુપ્તા પરિવાર સાથે જોડાયેલી હતી. દોઢ વર્ષ પહેલા જ્યારે ડૉક્ટરની માતા કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે મીનાએ તેમની જે રીતે સેવા કરી હતી, તે પરિવારના સભ્યો ક્યારેય ભૂલી શકે તેમ નહોતા. મીનાનો પુત્ર રોબિન આજે ન્યાય માટે આક્રંદ કરી રહ્યો છે. પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી લીધી છે અને ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ બેટ તથા લોહીથી ખરડાયેલી છરી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
