News of Saturday, 22nd August 2026
DNA ટેસ્ટથી સાબિત થયો ગુનો, ૧૫ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ મામલે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ
જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ દરમિયાન આરોપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી

અમદાવાદ તા.૨૨: અમદાવાદની વિશેષ પોક્સો કોર્ટે ૧૫ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપી દેવરાજ ચૌધરીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા આ કેસમાં સગીરા ગર્ભવતી બની હતી અને બાદમાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકના ઝફખ્ પરીક્ષણમાં આરોપી જ જૈવિક પિતા હોવાનું પુરવાર થતાં આ પુરાવો કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
કેસની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના આરોપી દેવરાજ ચૌધરીએ ૧૪ વર્ષ અને ૧૦ માસની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની અને સારી રીતે રાખવાની લાલચ આપી હતી. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ દરમિયાન આરોપી સગીરાને ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા ભાડાના રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આરોપ હતો. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી.
૨૩ મે ૨૦૨૧ના રોજ આરોપી સગીરાને તેના વાલીપણામાંથી ભગાડીને ઉત્તર પ્રદેશના અલીગઢ લઈ ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન સગીરા મળી આવતા તેનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે ૨૬થી ૨૮ અઠવાડિયાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ કરવામાં આવેલા ડીએનએ પરીક્ષણમાં આરોપી દેવરાજ ચૌધરી જ બાળકીનો જૈવિક પિતા હોવાનું પુરવાર થયું હતું. આ ઉપરાંત આરોપી સામે ઉત્તર પ્રદેશમાં પણ અન્ય ગુનો નોંધાયેલો હોવાનું કોર્ટ સમક્ષ આવ્યું હતું અને તે હાલ ઉત્તર પ્રદેશની જેલમાં હોવાનું સામે આવ્યું હતું.
વિશેષ પોક્સો અદાલતમાં સરકારી વકીલ દિલીપસિહ એમ.ઠાકોરે આરોપી સામેના પુરાવાઓ રજૂ કરી સખત સજાની માંગ કરી હતી. સરકારી વકીલ દિલીપસિહ ઠાકોરે જણાવ્યું હતું કે, સગીરાની ઉંમર, તબીબી પુરાવા, સાક્ષીઓની જુબાની તથા ડીએનએ રિપોર્ટ સહિતના પુરાવાઓથી આરોપ સામેનો કેસ મજબૂત રીતે સાબિત થાય છે. આવા ગંભીર ગુનામાં આરોપીને કાયદા મુજબ કડક સજા થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કુલ ૭ સાક્ષીઓની જુબાની અને ૧૫ દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કર્યું હતું. પુરાવાઓના આધારે જજ એચ.એન. દેસાઈએ આરોપી દેવરાજ ચૌધરીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.કોર્ટે આરોપીને કેદની સજા ઉપરાંત આર્થિક દંડ પણ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા સત્તાવાળાઓને આદેશ કર્યો છે. આ રીતે સગીરાની ઉંમર, ગર્ભાવસ્થા, બાળકનો જન્મ અને ડીએનએ પરીક્ષણ સહિતના પુરાવાઓ આ કેસમાં આરોપી સામે દોષ સાબિત કરવામાં મહત્વપૂર્ણ બન્યા હતા.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
