તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 17th July 2026
વૈશ્વિક બજારોમાં કડાકા છતાં દલાલ સ્ટ્રીટમાં દિવાળી: સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, ૭૮,૧૦૦ ની સપાટીને પાર કરી ગયો: નિફ્ટીએ ફરી 24,350 ની સપાટી વટાવી; જાણો તેજીના 4 મુખ્ય કારણો
આઇટી શેરોમાં ધૂમ ખરીદી અને દિગ્ગજ કંપનીઓના શાનદાર પરિણામોએ બજારમાં આશાનો સંચાર કર્યો; રૂપિયાના મજબૂત સુધારાથી રોકાણકારો ગદગદ

મુંબઈ, તા.૧૭: વૈશ્વિક શેરબજારોમાં ચાલી રહેલી ભારે અસ્થિરતા અને કડાકા વચ્ચે ભારતીય શેરબજારે આજે શુક્રવારે એક નવો ઈતિહાસ રચી દીધો છે. જ્યાં વિશ્વના મોટાભાગના બજારો ધબડકો અનુભવી રહ્યા હતા, ત્યાં ભારતીય બજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ૧% થી વધુના ઉછાળા સાથે બંધ થયા છે. મજબૂત ત્રિમાસિક (Q1) પરિણામો અને આઇટી કંપનીઓમાં આવેલી અણધારી તેજીને કારણે સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં ૯૦૦ પોઈન્ટથી વધુ ઉછળીને ૭૮,૧૦૦ ની સપાટીને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૫૦ પોઈન્ટની રિકવરી સાથે ૨૪,૩૫૦ ના સ્તર પર પાછો ફર્યો છે. જો કે, વ્યાપક બજારમાં થોડી નબળાઈ જોવા મળી હતી, જેના કારણે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૦.૮% સુધી ઘટ્યા હતા.
બજારની આ તેજીમાં ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેક અને એક્સિસ બેંક જેવા હેવીવેઇટ શેરો ૧ થી ૩% સુધી ઉછળ્યા હતા. ક્ષેત્રીય રીતે જોઈએ તો નિફ્ટી આઇટી અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ મોખરે રહ્યા હતા. બીજી તરફ વૈશ્વિક મોરચે, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૫% અને તાઇવાનનો ઇન્ડેક્સ ૬% જેટલો ગબડ્યો હતો, જેનું મુખ્ય કારણ ચિપમેકર્સ કંપનીઓમાં ઘટાડો અને ઇરાન-યુએસ વચ્ચે વધતા તણાવને લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. દક્ષિણ કોરિયાનું બજાર બંધારણ દિવસ નિમિત્તે બંધ રહ્યું હતું.
આજે ભારતીય શેરબજારમાં આવેલા આ તોફાની ઉછાળા પાછળ ૪ મુખ્ય પરિબળો કામ કરી રહ્યા છે:
૧) IT શેરોમાં અણધારી તેજીનો કરંટ
નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટેક મહિન્દ્રાએ અપેક્ષા કરતાં ઘણા સારા પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૨૮% વધીને રૂ. ૧,૪૬૫ કરોડે પહોંચ્યો છે, જેને પગલે નોમુરા જેવા આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ હાઉસે કંપનીના રેટિંગ્સ સુધાર્યા છે. આ ઉપરાંત, એચસીએલ ટેકનોલોજીએ અમેરિકાની ગાર્ડિયન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની સાથે એઆઈ (AI) આધારિત આધુનિકીકરણ માટે નવો ૭ વર્ષનો મોટો કરાર કરતા આખી આઇટી બ્રિગેડમાં ખરીદીનું ઘોડાપૂર આવ્યું હતું.
૨) પ્રથમ ત્રિમાસિક (Q1) પરિણામોની મજબૂત ગતિ
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના પરિણામો આજે બજાર બંધ થયા પછી જાહેર થવાના છે. વિશ્લેષકોને અપેક્ષા છે કે ઓઇલ-ટુ-કેમિકલ અને ડિજિટલ સેવાઓમાં સ્થિર ગતિ જળવાઈ રહેશે, જેને કારણે તેનો શેર ૨% થી વધુ ઉછળ્યો હતો. બીજી તરફ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો નફો વાર્ષિક ધોરણે ૧૫૫% વધીને રૂ. ૮૩૦ કરોડ થતાં રોકાણકારો ખુશખુશાલ હતા. શનિવારે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી અગ્રણી ખાનગી બેંકોના પરિણામો આવવાના હોવાથી બેંકિંગ શેરોમાં પણ જોરદાર એડવાન્સ બુકિંગ જેવી ખરીદી જોવા મળી હતી.
૩) યુએસ ડોલર સામે રૂપિયાનો મજબૂત સુધારો
ચલણ બજારમાંથી પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ૧૪ પૈસા મજબૂત થઈને ૯૬.૨૮ ના સ્તરે પહોંચ્યો હતો. નિષ્ણાતોના મતે આગામી સમયમાં રૂપિયો ૯૬.૦૦ થી ૯૬.૬૦ ની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. રૂપિયાની આ મજબૂતાઈએ બજારના સેન્ટિમેન્ટને બુસ્ટર ડોઝ આપ્યો છે.
૪) ટેકનિકલ બ્રેકઆઉટ અને ચાર્ટ પેટર્ન
છેલ્લા કેટલાક દિવસોથી બજાર એક મર્યાદિત દાયરામાં (રેન્જ-બાઉન્ડ) કામ કરી રહ્યું હતું, જેના કારણે ચાર્ટ પર એક ત્રિકોણાકાર રચના (Triangle Formation) બની હતી. માર્કેટ એનાલિટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, આજે બજારે આ રેન્જમાંથી ઉપરની તરફ મજબૂત બ્રેકઆઉટ આપ્યો છે, જે ટેકનિકલ રીતે બજારને વધુ ઉપર લઈ જવા માટે સક્ષમ છે.
રોકાણકારો માટે સાવચેતીની ચેતવણી
બજારમાં તેજીનો માહોલ હોવા છતાં, બજારના નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે. યુએસ બોન્ડ યીલ્ડ ઊંચી હોવાને કારણે ચાલુ સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મોટી વેચવાલી કરી હતી. ગઈકાલે જ FII એ રૂ. ૪,૨૦૬ કરોડની ઇક્વિટી વેચી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે, આજે સાંજે આવનારા રિલાયન્સના પરિણામો અને શનિવારે આવનારા બેંકિંગ સેક્ટરના પરિણામો આગામી સપ્તાહે બજારની ચોક્કસ દિશા નક્કી કરશે, તેથી રોકાણકારોએ સાવધ રહીને વેપાર કરવો જોઈએ.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
