<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ખાંડના ભાવમાં કિલો દીઠ રૂા. ૪ના કમરતોડ વધારાથી દિવાળીની ઉજવણી ફિકી બની

ખાંડની કિંમત વધતાં મીઠાઈઓના ભાવમાં પણ વધારો થયો ખાંડનો સરેરાશ છૂટક ભાવ વધી રૂા. ૫૯.૫૦ થયો : વર્ષમાં રૂા. ૧૨-૧૩નો વધારો

નવી દિલ્‍હી, તા. પ : દિવાળી ટાણે જ ખાંડના ભાવમાં કિલો દીઠ રૂા. ૪થી વધુનો કમરતોડ વધારો થતાં સામાન્‍ય માણસો માટે તહેવારોની ઉજવણી ફીકી બની છે. ઓછો પાક, સંગ્રાહખોરી તથા કાળાબજારને કારણે વધેલી ખાંડની કિંમતોને કારણે મીઠાઈઓની કિંમત પણ આસમાને આંબી રહી છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર, ખાંડનો સરેરાશ કિલો દીઠ છૂટક ભાવ રૂા. ૫૯.૫૦ તથા જથ્‍થાબંધ ભાવ રૂા. ૫૫.૪૦એ સ્‍પર્શ્‍યો છે.

વાર્ષિક ધોરણે ખાંડના ભાવમાં કિલો

દીઠ રૂા. ૧૨-૧૩નો જંગી વધારો નોંધાતાં સામાન્‍ય માણસની મુશ્‍કેલીમાં વધારો થયો છે. વર્ષ અગાઉ ખાંડનો કિલો દીઠ છૂટક ભાવ રૂા. ૪૫.૬૦ જ્‍યારે જથ્‍થાબંધ ભાવ રૂા. ૪૩.૨૩ હતો.

દેશના મેટ્રો શહેરો પૈકી કોલકાતામાં ખાંડ સૌથી મોંઘી થઈ છે. ગયા વર્ષના રૂા. ૫૦ની તુલનાએ ચાલુ મહિને કોલકાતામાં કિલો ખાંડની કિંમત રૂા. ૬૫ થઈ છે. દિલ્‍હીમાં કિલો ખાંડની કિંમત વધીને રૂા. ૬૪ થઈ છે, જે વર્ષ અગાઉ રૂા. ૪૬ હતી. જ્‍યારે મુંબઈમાં કિલો ખાંડનો ભાવ રૂા. ૬૧ થયો છે.

૨૦૨૫-૨૬ના વર્ષ દરમિયાન અંદાજ કરતાં નીચા ઉત્‍પાદનને કારણે ખાંડના ભાવ ઊંચા સ્‍તરે જોવા મળ્‍યાં હતાં. આ સિવાય, તહેવારો દરમિયાન માગમાં થયેલો વધારો, પાકને થયેલું નુકસાન, વૈશ્વિક સ્‍તરે ચાલી રહેલાં સંઘર્ષોને કારણે પુરવઠાની ખેંચ તથા સટ્ટાખોરી જેવા પરિબળોએ પણ કિંમતો પર અસર કરી છે.

ખાંડના ભાવમાં થતો કળત્રિમ વધારો રોકવા, કાળાબજારી અટકાવવા તથા દિવાળીના સમયમાં ગ્રાહકોને વ્‍યાજબી ભાવે ખાંડ મળી રહે તે માટે કેન્‍દ્ર સરકારે સ્‍ટોક મર્યાદા, આયાતમાં વધારો તથા સઘન ચકાસણી જેવા પગલાં ભર્યાં છે. આમ છતાં ભાવો સતત વધી રહ્યાં છે.

(12:01 PM IST)