<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

IASની રોફદાર નોકરી છોડી દિવ્યા મિત્તલે લીધો મોટો નિર્ણય: યુપીની રાજનીતિમાં ગરમાવો, કોઈ પક્ષમાં જોડાવાને બદલે એકલા હાથે નવી પોલિટિકલ પાર્ટી બનાવશે!

૧૩ વર્ષની વહીવટી કારકિર્દીને અલવિદા કહી પૂર્વ IAS અધિકારીનો ચોંકાવનારો ધડાકો; ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ અને વોટ્સએપથી સીધો જનસંપર્ક શરૂ કર્યો

લખનૌ, તા.29: ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. ૧૩ વર્ષની સફળ વહીવટી સેવા બાદ રાજીનામું આપનારા ૨૦૧૩ બેચના પૂર્વ આઈએએસ (IAS) અધિકારી દિવ્યા મિત્તલે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સીધી એન્ટ્રી કરવાનો મોટો નિર્ણય લીધો છે. કોઈપણ સ્થાપિત રાજકીય પક્ષમાં જોડાવાને બદલે તેમણે પોતાની અલગ નવી રાજકીય પાર્ટી સ્થાપીને એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. તેમના આ આક્રમક નિર્ણયથી યુપીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

રાજીનામા બાદ સસ્પેન્સનો આવ્યો અંત

દિવ્યા મિત્તલે ગત ૩૦ ઓગસ્ટે IAS પદેથી રાજીનામું આપ્યું હતું, જેને સરકારે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સ્વીકારી લીધું હતું. રાજીનામા બાદથી જ સોશિયલ મીડિયા પર તેમના આગામી પગલાને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. વિદેશ પાછા ફરવું, પુસ્તક લખવું, કોચિંગ આપવું કે રાજકારણમાં જવું—આ તમામ વિકલ્પો વચ્ચે આખરે ૨૯ સપ્ટેમ્બરે તેમણે તમામ અટકળોનો અંત આણી મંગળવારે પોતાનો અલગ રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે.

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો પ્રયોગ

ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે કોઈ પૂર્વ ઉચ્ચ અધિકારી દ્વારા સીધું રાજકીય સંગઠન ઊભું કરી ચૂંટણી લડવી એ એક અલગ અને સાહસિક પ્રયોગ માનવામાં આવી રહ્યો છે. પોતાની વહીવટી પૃષ્ઠભૂમિ અને સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને તેઓ એક નવું રાજકીય મોડેલ રજૂ કરવા માંગે છે.

વોટ્સએપ અને સોશિયલ મીડિયાથી જનસંપર્ક

નવી રાજકીય ઇનિંગ શરૂ કરતાની સાથે જ દિવ્યા મિત્તલે ડિજિટલ માધ્યમો પર ભાર મૂક્યો છે. તેમણે સોશિયલ મીડિયા વીડિયો સંદેશ દ્વારા લોકોને વોટ્સએપ પર તેમની સાથે સીધા જોડાવાની ભાવુક અપીલ કરી છે. જોકે, તેમની નવી પાર્ટીનું નામ, વિચારધારા, સંગઠનાત્મક માળખું અને ચૂંટણી વ્યૂહરચના અંગેનું સ્પષ્ટ ચિત્ર આગામી દિવસોમાં યોજાનારી ઔપચારિક જાહેરાત બાદ જ સામે આવશે.

(5:54 PM IST)