તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
મિડલ ઈસ્ટ મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રમાં વિભાજન! રાષ્ટ્રપતિ ટ્રમ્પના પીછેહઠના વલણથી વિપરીત ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આપ્યું મોટું નિવેદન: 'અમેરિકા મિડલ ઈસ્ટમાંથી ખસશે તો સર્જાશે વૈશ્વિક ઉર્જા સંકટ'
વૈશ્વિક ઉર્જા પુરવઠો જાળવી રાખવા માટે અમેરિકી સેનાની હાજરી જરૂરી હોવાનો દાવો: ઓલ-ઈન સમિટમાં જેડી વેન્સે ઈરાન પર પ્રહારો કરતા આપી ચેતવણી - 'અમેરિકા ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો ધારણ કરવા દેશે નહીં'

વોશિંગ્ટન : મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં વધતા જતા સૈન્ય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રની અંદર જ નીતિઓ અને વ્યૂહરચના અંગે મોટા મતભેદો સપાટી પર આવ્યા છે. એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક સંઘર્ષોથી દૂર રહીને શક્ય તેટલી વહેલી તકે મિડલ ઈસ્ટમાંથી અમેરિકી સેનાને પાછી ખેંચવાની તરફેણ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રાષ્ટ્રપતિના આ વલણથી સાવ અલગ અને આકરું વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આ ક્ષેત્રમાંથી પીછેહઠ કરશે નહીં.
'ઓલ-ઈન સમિટ' (All-In Summit) માં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ચેતવણી આપી હતી કે જો અમેરિકા અત્યારે મિડલ ઈસ્ટમાંથી ખસી જશે તો આખા વિશ્વ સામે ભયાનક ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે. તેમણે ઈરાન દ્વારા લાલ સમુદ્ર અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં કોમર્શિયલ જહાજો પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓનો ઉલ્લેખ કર્યો હતો. વેન્સના જણાવ્યા મુજબ, જો અમેરિકા એવું જાહેર કરી દે કે આ ક્ષેત્ર પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, તો ક્રૂડ ઓઇલ (કચા તેલ) અને કુદરતી ગેસના આંતરરાષ્ટ્રીય પુરવઠામાં મોટો વિપરીત પ્રભાવ પડશે અને વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જશે.
ઉપ્રાષ્ટ્રપતિ વેન્સે સ્વીકાર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈચ્છા વિદેશી બાબતોમાં અમેરિકાની સક્રિય દખલગીરી ઘટાડવાની છે, પરંતુ તેમણે સાથે સ્પષ્ટતા પણ કરી કે તેનો અર્થ એવો બિલકુલ નથી કે અમેરિકા જરૂર પડે ત્યારે પોતાની સૈન્ય તાકાતનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે અમેરિકા પોતાની તમામ તાકાતનો ઉપયોગ કરીને ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવા કે ધારણ કરવાથી સખત રીતે રોકશે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
