News of Thursday, 22nd October 2026
કન્યાકુમારીથી કેદારનાથ સુધીની દિવ્ય સનાતન 'ભારત સ્વસ્તિક યાત્રા' તેના અંતિમ ચરણમાં : સંકીર્તન અને સત્સંગ સાથે આવતીકાલે થશે ભવ્ય સમાપન
પૂ. મોરારિબાપુના માર્ગદર્શન હેઠળ રેલમાર્ગે યોજાયેલા આ પખવાડિયાના દિવ્ય રામકથા ઉપક્રમમાં દેશભરના તીર્થસ્થાનો અને રેલમથકો પર ભાવિકોએ માણી ભક્તિની અનન્ય મોજ

નવી દિલ્હી : વિખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુ દ્વારા રેલમાર્ગે આયોજિત અનોખી સનાતન 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા ઉપક્રમ હવે તેના પૂર્ણાહુતિના આરે પહોંચી ગયો છે. સંકીર્તન, સત્સંગ અને તીર્થદર્શનના અદ્ભુત ત્રિવેણી સંગમ સમાન આ યાત્રામાં દેશભરમાંથી જોડાયેલા ભાવિક યાત્રીઓએ કન્યાકુમારીથી કેદારનાથ સુધીની સફર દરમિયાન ભક્તિભાવની દિવ્ય મોજ માણી છે, જેનું ભવ્ય સમાપન આવતીકાલે શુક્રવારે થશે.
ગત શનિવાર તારીખ ૧૦ ઓક્ટોબરથી પ્રારંભ થયેલી આ પખવાડિયાની પવિત્ર યાત્રાએ ભારતવર્ષના અનેક ઐતિહાસિક અને પવિત્ર તીર્થસ્થાનોને આવરી લીધા છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ રામકથા યાત્રા કેરળના કાલડી, કર્ણાટકના શ્રૃંગેરી અને હમ્પી, મહારાષ્ટ્રના તુલજાપુર, મધ્યપ્રદેશના ૐકારેશ્વર અને ઝાંસી, ઉત્તરપ્રદેશના મથુરા, હરિયાણાના કુરુક્ષેત્ર, પંજાબના વાઘા અટારી સીમાક્ષેત્ર તેમજ જમ્મુના શ્રી રઘુનાથ મંદિર સુધીની સફર ખેડી ચૂકી છે.
વિવિધ રેલમથકો પર સત્સંગ અને વિશેષ આયોજનો:
અહેવાલ મુજબ, આ યાત્રા દરમિયાન નિર્ધારિત રેલમથકો અને તીર્થક્ષેત્રો પર વિશેષ સત્સંગ, સંકીર્તન અને આત્મિક વાર્તાલાપના સુંદર કાર્યક્રમો યોજાયા હતા. આ યાત્રામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓ, ભજન-સંતવાણીના આરાધકો, સાહિત્યકારો અને કથાપ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાના પ્રવાસ દરમિયાન અનુકૂળતા મુજબ વિવિધ રેલમથકો પર પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં સૌએ સત્સંગનો ભરપૂર લાભ લીધો છે. વિવિધ ક્ષેત્રોની આ પવિત્ર યાત્રા હવે આવતીકાલે ઉત્તરાખંડના કેદારનાથ ખાતે પૂર્ણ થશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
