<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સરકારી કર્મચારી માટે નોકરીમાંથી હકાલપટ્ટી મૃત્‍યુદંડ સમાનઃ સુપ્રીમ

નક્કર પુરાવા વગર અપ્રમાણસર સંપત્તિના કેસમાં કર્મચારીને કસૂરવાર ઠરાવી સજા આપી શકાય નહીં

નવી દિલ્‍હી,તા.૨૦: તમિલનાડુ સ્‍થિત પેરિયાર યુનિવર્સિટીમાં ડેપ્‍યુટી રજિસ્‍ટ્રારને ફરજ પર પુનઃસ્‍થાપિત કરવાના નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્‍યું હતું કે, સરકારી કર્મચારીને નોકરી પરથી છૂટા કરવાની સજાને મૃત્‍યુદંડ કરતાં ક્રમ કહી શકાય નહીં. આ કેસમાં અરજદારને અપ્રમાણસર સંપત્તિ હોવાથી ડિસમિસ કરવામાં આવ્‍યા હતા.

જાસ્‍ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની બેન્‍ચે મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્‍ચના હુકમને રદ ઠરાવ્‍યો હતો અને આર સરવાનને ફરજમાં પુનઃસ્‍થાપિત કરવાના સિગલ બેન્‍ચના આદેશને ગ્રાહ્ય રાખ્‍યો હતો. સર્વોચ્‍ચ અદાલતે નોંધ્‍યું હતું કે, યુનિવર્સિટીએ એક સભ્‍યનું કમિશન બનાવ્‍યું હતું અને તેના અહેવાલમાં અરજદારને કોઈ પુરાવા વગર કસૂરવાર ઠરાવવામાં આવ્‍યા હતા. અરજદારને માત્ર કહેલી-સાંભળેલી વાતોના આધારે અન્‍યાય થયો છે. સિગલ જજની બેન્‍ચે આપેલા હુકમમાં ડિવિઝન બન્ને ઉચિત કારણો વગર હસ્‍તક્ષેપ કર્યો હતો.

નોકરીમાંથી હકાલપટ્ટી કે ફરજમોકૂફીની સજા સૌથી વધુ આકરી છે અને સરકારી કર્મચારી માટે તેને મૃત્‍યુદંડ કરતા ક્રમ કહી શકાય નહીં. તેની ઘણી વિપરિત અસરો થાય છે અને કર્મચારીના પરિવારજનોને પણ હાનિ પહોંચે છે, તેમ સુપ્રીમ કોર્ટે નોંધ્‍યું હતું. નોકરી છીનવાઈ જવાની સાથે સરકારી કર્મચારીને મળતાં તમામ લાભ પણ જતા રહે છે. આવી વિનાશક અસર ધરાવતા હુકમ સામે કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં.

સુપ્રીમ કોર્ટે ઠરાવ્‍યું હતું કે, અરજદાર સરવાનને કસૂરવાર ઠેરવવા માટે પુરાવાનો અભાવ સ્‍પષ્ટ દેખાય છે અને યુનિવર્સિટીમાંથી તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય માત્ર એક વ્‍યક્‍તિના કમિશનના રિપોર્ટ પર લેવાયો છે. માત્ર માન્‍યતાઓ અને સાંભળેલી વાતોના આધારે રજૂ થયેલા રિપોર્ટને યુનિવર્સિટીએ શા માટે સ્‍વીકાર્યો તે સવાલ છે.

 

(10:10 AM IST)