તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ન્યૂઝીલેન્ડથી મોહભંગ? ૧૨ મહિનામાં ૭૦ હજારથી વધુ લોકોએ છોડ્યું સ્વર્ગ
મોંઘવારી, નબળું અર્થતંત્ર અને ઓછા પગારના કારણે એક વર્ષમાં ૭૦ હજારથી વધુ નાગરિકો દેશ છોડી ચૂક્યા છે : મોટાભાગના લોકો સારું જીવન, સારા પેકેજ અને સુવિધાઓની શોધમાં પાડોશી દેશ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે

ઓકલેન્ડ તા.૨૨: જ્યારે પણ સુંદર દેશોની વાત આવે ત્યારે ન્યૂઝીલેન્ડનું નામ ચોક્કસ લેવાય છે. બરફથી ઢંકાયેલા પહાડો, લોર્ડ ઓફ ધ રિંગ્સ જેવી જાદુઈ હરિયાળી, શાંત દરિયો અને દુનિયાનું સૌથી શાંતિપૂર્ણ જીવન... આપણે બધા ત્યાં રજાઓ ગાળવા કે વસવાટ કરવાના સપના જોઈએ છીએ, પરંતુ ધરતીના આ સ્વર્ગની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ન્યૂઝીલેન્ડના પોતાના નાગરિકો ધડાધડ સૂટકેસ પેક કરી રહ્યા છે અને દેશ છોડીને જઈ રહ્યા છે. એક જ વર્ષમાં ૭૦,૦૦૦થી વધુ લોકોએ આ જન્નતને ‘બાય-બાય' કહી દીધું છે. તો એવું તે શું થયું કે લોકો આ સુંદર દેશ છોડીને જઈ રહ્યા છે?
ન્યૂઝીલેન્ડની કુલ વસતિ લગભગ ૫૦-૫૧ લાખ છે. તેમાંથી જો ૭૧,૦૦૦ લોકો એટલે કે કુલ વસતિના ૧.૪્રુ એક જ વર્ષમાં દેશ છોડી દે, તો સવાલ તો ઉઠશે જ. કોરોના પહેલા પણ લોકો દેશ છોડતા હતા, પરંતુ ત્યારે વર્ષે માંડ ૩,૦૦૦ લોકો પલાયન કરતા હતા, જે એક સામાન્ય બાબત હતી, પરંતુ છેલ્લા ૧૨ મહિનામાં ૭૧,૦૦૦ લોકો નીકળી ગયા અને સામે માત્ર ૨૬,૦૦૦ લોકો જ પરત આવ્યા. એટલે કે, જનારાઓની લાઈન લાંબી છે અને આવનારાઓની ટૂંકી.
આ લોકો કોઈ અમેરિકા, લંડન કે યુરોપના સપના નથી જોઈ રહ્યા. તેઓ પોતાના પાડોશી દેશ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. આંકડાઓ મુજબ, ન્યૂઝીલેન્ડ છોડનારા ૬૦% લોકો સીધા ઓસ્ટ્રેલિયા શિફટ થઈ રહ્યા છે. તસ્માન સાગર પાર કરીને ઓસ્ટ્રેલિયામાં આજે ૭ લાખથી વધુ ન્યૂઝીલેન્ડવાસીઓ વસવાટ કરે છે. ત્યાં પહેલાથી જ તેમના સંબંધીઓ અને મિત્રો હાજર છે, તેથી સેટલ થવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.
ન્યૂઝીલેન્ડમાંથી થઈ રહેલી આ નાસભાગ પાછળ પૈસા અને મોંઘવારીનો માર જવાબદાર છે. દેશમાં બેરોજગારીનો દર ૩.૫% થઈ ગયો છે, જે ત્યાંના હિસાબે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. સરકારી નોકરીઓ ઘટી રહી છે. ૨૦૨૫માં દેશનો GDP ગ્રોથ માત્ર ૧%ની આસપાસ રહ્યો છે. કરિયાણું, રાશન અને ઘરના ભાડા આસમાને પહોંચ્યા છે, પરંતુ બોસ પગાર વધારવા તૈયાર નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા છે, જે બંને હાથે પૈસા વેરી રહ્યું છે. ત્યાંની ઇકોનોમી દોડી રહી છે, બેરોજગારી ઓછી છે અને પગાર ન્યૂઝીલેન્ડની સરખામણીએ ઘણો વધારે છે.
ઓસ્ટ્રેલિયા માત્ર પગાર જ નથી આપી રહ્યું, પરંતુ તે એવી વર્કિગ કન્ડિશન પણ આપી રહ્યું છે જે ન્યૂઝીલેન્ડમાં મળતી નથી. જેમ કે ઓવર-ટાઇમના પૈસા, વીકેન્ડ પર કામ કરવાનું એક્સ્ટ્રા બોનસ અને રજાઓ. ઓસ્ટ્રેલિયામાં એક નર્સને વર્ષનું લગભગ ૬૦-૬૨ હજાર અમેરિકી ડોલર એટલે કે આશરે ૫૦ લાખ રૂપિયાનું પેકેજ મળી રહ્યું છે. આ જ કારણ છે કે ગયા વર્ષે ૧૦,૦૦૦થી વધુ ન્યૂઝીલેન્ડની નર્સોએ ઓસ્ટ્રેલિયાની ટિકિટ લઈ લીધી છે.
ન્યૂઝીલેન્ડના પોલીસકર્મીઓ પણ હવે પોતાનો ગણવેશ ઓસ્ટ્રેલિયામાં પહેરવા ઈચ્છે છે. છેલ્લા બે-અઢી વર્ષમાં ૨૦૦થી વધુ પોલીસવાળાઓએ નોકરી છોડી દીધી છે. ઓસ્ટ્રેલિયા તેમને મહિનાના ૭૫,૦૦૦ ડોલર અને રહેવા માટે સસ્તા ઘરની લાલચ આપી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ખાણો અને રિયલ એસ્ટેટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, અને ત્યાં સ્કિલ્ડ વર્કર્સની ભારે માગ છે.
પહેલાં જે યુવક-યુવતીઓ કોલેજનું ભણતર પૂરું કરતા હતા, તેઓ મોજ-મસ્તીમાં એક-બે વર્ષ માટે વિદેશ ફરવા કે કામ કરવા નીકળી જતા હતા. તેને ત્યાં ઓવરસીઝ એક્સપિરિયન્સ કહેવાતું હતું, પરંતુ હવે ૨૦થી ૩૦ વર્ષના એ અનુભવી પ્રોફેશનલ્સ જઈ રહ્યા છે, જે માર્કેટમાં સારો એવો અનુભવ ધરાવે છે. સૌથી મોટી વાત એ છે કે, તેમનો પાછા ફરવાનો કોઈ ઈરાદો નથી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એ વિદેશી લોકો, જે પોતે પોતાનો દેશ છોડીને ન્યૂઝીલેન્ડમાં વસવા આવ્યા હતા, તેઓ પણ હવે બોરિયા-બિસ્તરા બાંધીને નીકળી રહ્યા છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
